Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ભાજપ માટે યુપી - બિહાર બનશે નિર્ણાયક

૨૦૧૪માં બંને રાજ્યોની ૧૨૦માંથી ૯૩ બેઠકો મેળવી હતીઃ આ વખતે સિનારીયો બદલાયો છે : બે મહાગઠબંધન સામે લડવાનું છે

નવીદિલ્હી તા. ૨૫ : આગામી લોકસભા ઇલેકશન બાદ દિલ્હીના તખ્તોતાજ પર કોની સરકાર આવી શકે છે એ ચારે તરફ ચર્ચાનો પ્રશ્ર્ન બની ચૂકયો છે ત્યારે વિશ્લેષકોના અહેવાલ પ્રમાણે ઉત્તરપ્રદેશ તથા બિહાર દિલ્હી સરકારના પ્રશ્ર્ન સંદર્ભે મહત્ત્વનો રોલ ભજવી શકે છે. ૨૦૧૪માં ભાજપે બિહાર-યુપીની કુલ ૧૨૦ બેઠકોમાંથી ૯૩ બેઠકો મેળવી હતી જેમાં ઉત્તરપ્રદેશમાં ૭૧ અને બિહારમાં ૨૨ બેઠકો મેળવવામાં એનડીએ સરકાર સફળ થઈ હતી. પરંતુ હાલ સિનારિયો બદલાઈ ચૂકયો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષનું ગઠબંધન અને બિહારમાં રાષ્ટ્રીય જનતાદળનું ગઠબંધન ભાજપ માટે બંને રાજયોમાં દિલ્હી દૂર હોવાનું સાર્થક કરી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. પાછલા થોડા સમયમાં મીડિયાએ યુપી, નોર્થ-સાઉથ બિહારની મહત્ત્વની ૧૫ બેઠકોના નાગરિકોને મળી તેમના વિચારો જાણવાનો પ્રયત્ન કર્યો હતો. મીડિયાએ તમામ જ્ઞાતિ-ધર્મ તથા ખાસ યુવાવર્ગને ધ્યાનમાં રાખી તેમનો જૂકાવ જાણવાનો કોશિશ કરી હતી. જણાયેલી ત્રુટિ અંતર્ગત વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ચૂંટણી માટે એપ્રિલ ૧૧થી મેના બીજા સપ્તાહ સુધીનો તબક્કાવાર સમય મતદાતાઓની વિચારસરણી બદલવા પર્યાપ્ત થઈ પડે છે. ઘણી બેઠકોના ઉમેદવાર હજી જાહેર કરવામાં આવ્યા નથી.

મતદાતાઓમાં પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ઉપરાંત ગ્રાઉન્ડ રુટ પર મતદાતાઓનો મૂડ પારખવો પણ મુશ્કેલ જણાઈ રહ્યો હતો. બેઠક વ્યવસ્થા સંદર્ભે મતદારોનો મુડ-વળાંકજનક પરિણામો સર્જી શકે છે. હાલ પ્રવર્તતી પરિસ્થિતિ મુજબ વડાપ્રધાન નેરન્દ્ર મોદી અતિ પ્રખ્યાત નેતા છે જે યુવાનમતને વિશેષ આકર્ષી શકે છે. યુવાનોમાં મોદીની મક્કમતા, તેમની નિર્ણયશકિત પ્રિય છે. જોકે લોકોમાં તેમની રાજકીય કપટનીતિ પણ ચર્ચાનો વિષય રહ્યો છે. કેટલાકના મતે મોદી ગરીબોના નેતા છે તો કેટલાકને તેમન પ્રામાણિકતા અંગે સંદેહ છે. લોકોમાં મોદી સિવાય અન્ય વિકલ્પ નહીં હોવા અંગેની ચર્ચા વધુ સાંભળવા મળી હતી. બેરોજગારીના મુદ્દે ભાજપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નો માટે મોદી પર માછલા ધોઈ શકાય નહીં. લોકોમાં મોદીને વધુ સમય આપવાની નીતિ પણ સ્પષ્ટ જોવા મળી હતી. ૨૦૧૯ લોકસભાની ચૂંટણી મુખ્યત્વે નેશનલ લિડરશીપનો મુદ્દો બની ચૂકી છે, જે રીતે હવાનો વર્તારો જોવા મળી રહ્યો છે તે મુજબ ૨૩ મેના રોજ મોદી ફરી એક વાર મજબૂત નેતા તરીકે ઉભરી આવે તેવી શકયતા જણાઈ રહી છે.

હિન્દુવાદીઓનો મોદીને વિશેષ ટેકો છે. યુપી તથા બિહારમાં સવર્ણો સરકાર સાથે છે. શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇવ્સ કાયદા સમયે સર્જાયેલા વિખવાદ બાદ આર્થિક રીતે પછાત સમુદાયને ૧૦ ટકા આરક્ષણ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયે ઓબીસી, ઇબીસી તથા નોન યાદવ ઓબીસીને ભાજપ તરફી બનાવી દીધા છે. બિહારમાં પાસવાન તથા રવિદાસ સંપ્રદાય અને યુપીમાં ધોળી અને પાસી સમુદાયનો ભાજપને ટેકો છે. પરંતુ યુપીમાં બસપ અને સપાનું જોડાણ ભાજપ માટે જોખમ ઊભું કરી શકે છે. બંને પક્ષના જોડાણે મુસલમાન, યાદવ અને જાદવ સમુદાયનો વિશ્વાસ સંપાદન કર્યો છે. ૨૦૧૪માં સ્વતંત્ર રીતે ચૂંટણી લડેલા બંને રાજકીય પક્ષોને ૨૦૧૯નું જોડાણ ફળદાયી - વધુ સારૂ પરિણામ આપી શકે તેવી સંભાવનાઓ છે. ૨૦૧૪માં સપાને પાંચ બેઠકો મળી હતી જયારે બસપ એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. સર્વે મુજબ ૮૦ બેઠકો પૈકી ૪૭ બેઠકો પર મુસલમાન, યાદવ તથા દલિત મતોનું ૫૦ ટકાથી વધી પ્રભુત્વ છે. બસપ અને સપા જો મત મેળવવામાં સફળ થાય તો મોદીવેવની પછડાટ શકય થઈ શકે છે. જયારે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા પ્રતિબધ્ધ કોંગ્રેસ યુપીનું ચિત્ર બગાડી શકે છે.

ઉત્તરપ્રદેશનું ચિત્ર જોતા ભાજપ કરતા કોંગ્રેસની સીધી લડાઈ સપા-બસપ સાથે થવાની સંભાવના વિશેષ વ્યકત થઈ રહી છે. કોંગ્રેસ મુસ્લીમ મત સાથે ભાજપના સવર્ણના મત પણ તોડી શકે છે. પરંતુ બિહારમાં કોંગ્રેસની પીછેહઠ વધુ જણાઈ રહી છે. બિહારમાં રફેલ ડીલ અંગેના આક્ષેપો પણ રાહુલ ગાંધીને કોઈ પણ પક્ષનો ટેકો અપાવી શકયા નથી. જનતા પણ કોંગ્રેસને નાપસંદ કરતી હોવાનું સર્વેમાં જણાયું છે. ઉપરાંત યુપી બિહારમાં પણ પુલવામા એટેક બાદ એનડીએ સરકારે કરેલી એરસ્ટ્રાઇક મહત્ત્વનો મુદ્દો બની ચૂકી છે. પાનના ગલ્લે, ચાની દુકાનો પર, શોપિંગ સેન્ટરમાં, યુનિવર્સિટી કેમ્પસમાં બાલાકોટની એરસ્ટ્રાઇક સાથે મોદીની મક્કમતાને મુલવવામાં આવી રહી છે. જેણે ભાજપ તરફના ઝૂકાવને વધુ ઘેરો કર્યો છે. ગ્રામવિકાસની યોજનાઓ, શૌચાલય, ગેસ કનેકશન, આવાસ યોજના, વીજળીની સગવડ જેવા મુદ્દા પણ ભાજપની મક્કમતામાં વધારો કરી રહ્યા છે.

(10:09 am IST)