Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

AC - ફ્રીઝ વગેરેમાં મેગા સેલ : ૨૦% સુધી ભાવ ઘટાડો

ડીમાન્ડ નથી : માલનો ભરાવો : ઉનાળો પણ મોડો છે

કોલકત્તા તા. ૨૫ : કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ કંપનીઓએ ઓછા વેચાણવાળી પ્રોડકટ્સના ભાવ આ મહિને ૨૦ ટકા સુધી ઘટાડી દીધા છે. ઇન્ડસ્ટ્રીઝના એકિઝકયુટિવ્સનું કહેવું છે કે તેનું કારણ માંગ ઓછી હોવાના લીધે ઇનવેંટરી જમા થઇ છે.

દિવાળી બાદથી વેચાણમાં તેજી આવી નથી. આ સિવાય ગરમીની સીઝન મોડી હોવાથી રેફ્રિજરેટર અને એર કંડીશનર જેવી અપ્લાયન્સીસના વેચાણ પણ વધ્યા નથી. DBS-એમકેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સેમસંગ, એલજી, પેનાસોનિક, વ્હર્લપૂલ, હિટાચી, ડાયકિન, વોલ્ટાસ, અને કેરિયર જેવી કંપનીઓએ ઓકટોબરની સરખામણીમાં આ મહિને ભાવ ૨૦ ટકા સુધી ઘટાડી દીધા છે.

રિપોર્ટમાં કહ્યું છે કે કેટલીક બ્રાન્ડસે ફેબ્રુઆરીમાં પ્રાઇસીસમાં વધારો કર્યો હતો, પરંતુ માર્ચમાં તેને પાછા લઇ લીધા. કેરિયરે ૧.૫ ટન ૩ સ્ટાર એસીની પ્રાઇસમાં ૫ ટકા સુધીનો, વ્હર્લપૂલે આ કેપિસિટી એસીના ભાવ ૩ ટકા, ફ્રીજ માં એલજી એ માર્ચમાં બે મોડલ માટે ૫-૯ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આઇએફબી એ વોશિંગ મશીનના કેટલાંક મોડલના પ્રાઇસમાં ઘટાડો કર્યો છે.

આ અંગે કન્ઝયુમર એપ્લાયસન્સ સાથે જોડાયેલા કર્મચારીઓએ કહ્યું કે ઓછી માંગના લીધે ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઠંડીની મોસમ લાંબી ચાલતા બ્રાન્ડસ પર માર્ચમાં પણ વેચાણ વધારવાનું ખૂબ દબાણ છે. માર્કેટમાં હજુ કેટલાંય ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ સ્કીમ ઉપલબ્ધ છે. દિવાળી બાદ કન્ઝયુમર્સની ખરીદીની ક્ષમતા ઓછી થઇ છે. તેની સાથે જ ગરમીની સીઝન મોડી હોવાથી વેચાણ પર અસર પડી છે અને ગરમી સાથે જોડાયેલ અપ્લાયન્સીસના વેચાણ માર્ચની જગ્યાએ એપ્રિલમાંથી વધવાની આશા છે.

DBS-એમકેના રિપોર્ટ અનુસાર પેનાસોનિક, હિટાચી, ડાયકિન, કેરિયર, વોલ્ટાસ, લોયડ જેવી કંપનીઓએ એસીના ભાવમાં ગયા વર્ષે જુલાઇની સરખામણીમાં માર્ચમાં ૪-૨૦ ટકા ઘટાડ્યા છે. ફ્રીજમાં ગોદરેજ, સેમસંગ, એલજી, અને વ્હર્લપુલે ઓકટોબરની સરખામણીમાં પ્રાઇસીસ ૫-૧૭ ટકા ઘટાડ્યા છે. આઇએફબી, સેમસંગ, વ્હર્લપૂલ, એલજી અને ગોદરેજે વોશિંગ મશીનના ભાવમાં ઘટાડો કર્યો છે.

(10:07 am IST)