Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પ્રથમ ચરણમાં ઉમેદવારી પત્રો ભરવા રાફડો ફાટયો

૧૧ એપ્રિલે ૨૦ રાજ્યોમાં ૯૧ બેઠકો માટે પ્રથમ ચરણના મતદાનનું કાઉન્ટ-ડાઉન શરૃઃ આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસઃ નીતિન ગડકરી, હેમા માલિની, જનરલ વી.કે. સિંઘ, અખિલેષ યાદવ, દેવગૌડા, ફારૂક અબ્દુલ્લા, ચિરાગ પાસવાન, જીતનરામ માંજી વગેરેએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હી, તા. ૨૫ :. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. પ્રથમ તબક્કા માટે ૧૧ એપ્રિલે કુલ ૯૧ બેઠકો માટે મતદાન થવાનુ છે. ૨૦ રાજ્યોમાં પ્રથમ ચરણનુ મતદાન થશે. આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે અનેક દિગ્ગજોએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં મહારાષ્ટ્રના નાગપુરથી નિતીન ગડકરી, બીડથી પ્રિતમ મુંડે, યુપીના ફતેપુર સિકરીથી રાજ બબ્બર, મથુરાથી હેમા માલીની, ગાઝીયાબાદથી જનરલ વી.કે. સિંઘ, આઝમગઢની અખિલેષ યાદવ, કર્ણાટકના તુમકુરથી દેવગૌડા, શ્રીનગરથી ફારૂખ અબ્દુલ્લા, બિહારના જમુઈથી ચિરાગ પાસવાન, ગયાથી જીતનરામ માન્જી વગેરેનો સમાવેશ થાય છે.

આજે સવારથી જ ૨૦ રાજ્યોમાં ઉમેદવારી પત્રો ભરવાના સ્થળે ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. કોઈ સરઘસ સાથે તો કોઈ ઢોલ-નગારા સાથે તો કોઈ શકિત પ્રદર્શન કરીને પોતપોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી સરકારી કર્મચારીઓ ઉંધેમાથે થઈ ગયા હતા. ઉમેદવારી પત્રોની ચકાસણી કાલે થશે અને ઉમેદવારી ૨૮ માર્ચે પાછી ખેંચી શકાશે.

પ્રથમ ચરણમાં યુપી, મહારાષ્ટ્ર, પ.બંગાળ, બિહાર, આંધ્ર, તેલંગણા, ઓડીસા, જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ, ત્રિપુરા, મણીપુર, મેઘાલય, સિક્કીમ, આંદામાન અને નિકોબાર, છત્તીસગઢ, નાગાલેન્ડ, મિઝોરમ, લક્ષદ્વીપ, આસામ અને અરૂણાચલમાં મતદાન થવાનું છે.

આજે ઉમેદવારી પત્ર નોંધાયા બાદ આવતીકાલથી આ બેઠકો માટેના ઉમેદવારો જોરશોરથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે.

(10:06 am IST)