Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોદીના પાંચ વર્ષ વિપક્ષના ૫૫ વર્ષો ઉપર ભારે : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ દ્વારા આક્રમક પ્રચાર : અગાઉની સરકારોએ ઉત્તરપ્રદેશ અને દેશના વિકાસ માટે કોઈ પગલાઓ લીધા ન હતા : યુપીને ગુંડારાજમાંથી મુક્તિ

સહારનપુર, તા. ૨૪ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પશ્ચિમી ઉત્તરપ્રદેશથી ૨૦૧૯ લોકસભા ચુંટણી માટે ચુંટણી પ્રચારનું રણશીંગુ ફૂંક્યું હતું. સહારનપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માતા સાકુંભરીદેવીની આશિર્વાદ લીધા હતા અને ત્યારબાદ જનસભાને સંબોધી હતી. જેમાં યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. યોગીએ કહ્યું હતું કે સમગ્ર દુનિયામાં મોદીની ધૂમ જોવા મળી રહી છે.મોદીના પાંચ વર્ષનું કામ વિપક્ષના ૫૫ વર્ષના કામ ઉપર પણ ભારે છે. આ ગાળા દરમિયાન યોગીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે રાહુલને લાગે છે કે જે રીતે કેરી વૃક્ષ ઉપર થાય છે તે રીતે બટાકા પણ વૃક્ષ ઉપર જ થાય છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશથી ચુંટણી પ્રચારની શરૂઆત કરતા યોગીએ કહ્યું હતું કે અગાઉની સરકારોએ ઉત્તરપ્રદેશમાં અથવા તો દેશના વિકાસ માટે કોઈ કામ હાથ ધર્યા ન હતા. ભાજપની સરકાર આવ્યા બાદ તમામ વર્ગના હિતોને ધ્યાનમાં લઈને યોજનાઓ લાવવામાં આવી રહી છે. પરોક્ષ રીતે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા યોગીએ કહ્યું હતું કે તેઓ નામદારોના કુળ દિપકની વાત સાંભળી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે શેરડીના વૃક્ષો લગાવવાની જરૂર નથી. રાહુલ એમ પણ કહેતા નજરે પડ્યા હતા કે તેમની સરકાર આવશે તો દોઢ ફૂટના બટાકાનું ઉત્પાદન કરશે. રાહુલને વૃક્ષોના સંદર્ભમાં, શાકભાજી અને ફળના સંદર્ભમાં પણ માહિતી નથી. ઉત્તરપ્રદેશમાં સુરક્ષાના મુદ્દે યોગીએ કહ્યું હતું કે બે વર્ષની અવધિમાં જ ગુંડારાજનો અંત આવી ગયો છે. સુરક્ષાનો માહોલ સર્જાયો છે. ગુંડાઓ માટે હવે એક જ જગ્યા છે અને તે જેલ છે. અમારી પાસે મોદીનું નામ અને કામ છે. તેમના નામ અને કામ સાથે અમે લોકોની વચ્ચે થઈ રહ્યા છે. ખેડુતોની વાત કરતા યોગીએ કહ્યું હતું કે અગાઉની સરકારોએ ખેડુતો માટે કોઈ પગલાં લીધા ન હતા. તેમની સરકાર સત્તામાં આવ્યા બાદ ખેડુતોની લોન માફી કરવામાં આવી છે. જે વચન આપવામાં આવ્યા છે તે વચન પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ ગણાતા ઉત્તરપ્રદેશમાં ચુંટણી સ્પર્ધા સૌથી રોચક રહેનાર છે. છેલ્લી લોકસભા ચુંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે સપાટો બોલાવ્યો હતો અને મોટાભાગની સીટો જીતી લીધી હતી. આ વખતે ભાજપ સામે ટક્કર લેવા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એકસાથે આવી રહી છે. જોકે યોગી આદિત્યનાથ કહી ચુક્યા છે કે મહાગઠબંધનના પરિણામ સ્વરૂપે પણ તેમની પાર્ટીને કોઈ અસર થશે નહીં. કોંગ્રેસ પાર્ટીને મહાગઠબંધનમાં સામેલ નહીં કરવાનો નિર્ણય અખિલેશ અને માયાવતીએ લીધો છે.

 

(12:00 am IST)