Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

રાજકોટ આવ્યો છું તો જૂની યાદો તાજા થઇ:૨૨ વર્ષ પહેલા રાજકોટએ મને પોતાનો એમ.એલ.એ.એ તરીકે સ્વીકાર કર્યો: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

-પીએમ મોદીએ કહ્યું -રાજકોટના એક એક વ્યક્તિને કહી શકું છું હું તમારા વિશ્વાસ પર ખરો ઉતારવાની કોશિશ કરું છું, આજે સમગ્ર દેશ મને આશીર્વાદ આપી રહ્યો છે તો તેનું હકદાર રાજકોટ પણ છે: મોદી સરકારની ગેરેંટી એટલે ગેરેંટી પૂરી થવાની પણ ગેરેંટી

રાજકોટ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઉષ્માભેર આવકારવા અને સ્વાગત માટે જુના એરપોર્ટથી સભા સ્થળ રેસકોર્ષ સુધી ભવ્ય “રોડ-શો” યોજાયો હતો વડાપ્રધાને “રોડ-શો” દરમ્યાન ઉપસ્થિત જન-મેદનીનું અભિવાદન કર્યું હતું રાજકોટ શહેરની એઈમ્સ હોસ્પિટલ સહિતનાં રૂ.૪૮,૦૦૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના  હસ્તે કરવામાં આવ્યા હતા,વડાપ્રધાનએ રાજકોટ સહિત દેશની ૦૫ ‘એઈમ્સ હોસ્પિટલ’નું લોકાર્પણ કર્યું, રાજકોટ શહેરને ગુજરાત રાજ્યની પ્રથમ અત્યાધુનિક ‘એઈમ્સ હોસ્પિટલ’ની સુવિધા પ્રાપ્ત થઇ હતી 

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેસકોર્ષ ખાતે જાહેર સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કેરાજકોટ આવ્યો છું તો જૂની યાદો તાજા થઇ ગઈ ૨૨ વર્ષ પહેલા રાજકોટએ મને પોતાનો એમ.એલ.એ.એ તરીકે સ્વીકાર કર્યો, રાજકોટના એક એક વ્યક્તિને કહી શકું છું હું તમારા વિશ્વાસ પર ખરો ઉતારવાની કોશિશ કરું છું, આજે સમગ્ર દેશ મને આશીર્વાદ આપી રહ્યો છે તો તેનું હકદાર રાજકોટ પણ છે: મોદી સરકારની ગેરેંટી એટલે ગેરેંટી પૂરી થવાની પણ ગેરેંટી.....”

    ગુજરાતભરમાં ગૌરવ અપાવનાર મહત્વકાંક્ષી અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એઈમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ સહિતના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂ.૪૮,૦૦૦ કરોડથી વધુ રકમના જુદા જુદા કુલ ૧૩૨ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં.

   દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકા ખાતે ઓખા-બેટ દ્વારકા વચ્ચે અવરજવર માટે દરિયા પર નવનિર્મિત “સુદર્શન સેતુ” બ્રિજનું લોકાર્પણ કરી, રાજકોટ ખાતે પધારેલ. વડાપ્રધાનએ સૌ પ્રથમ શહેરના જામનગર રોડ ખાતે નવનિર્મિત ‘એઈમ્સ હોસ્પિટલ’ની મુલાકાત લીધી અને તેમનાં વરદ્દ હસ્તે લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી. રાજકોટ શહેરને ગુજરાત રાજ્યની પ્રથમ અત્યાધુનિક ‘એઈમ્સ હોસ્પિટલ’ની સુવિધા પ્રાપ્ત થઇ. બાદમાં, વડાપ્રધાન ‘એઈમ્સ હોસ્પિટલ’ ખાતેથી જુના એરપોર્ટ ખાતે આવેલ. 

  વડાપ્રધાનને ઉષ્માભેર આવકારવા અને ભાતીગળ સ્વાગત માટે જુના એરપોર્ટના પ્રવેશદ્વારથી રેસકોર્ષના પ્રવેશદ્વાર સુધી અંદાજીત ૮૦૦ મીટર રૂટ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત ભવ્ય “રોડ-શો”માં વડાપ્રધાન કારમાં ઉપસ્થિત રહ્યાં અને “રોડ-શો”ના રૂટના સ્ટેજ પર અલગ અલગ સંસ્થા, અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ, કલ્ચરલ ગ્રુપ્સ કાઠિયાવાડી અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ આધારિત પફોર્મન્સ, રાસ-ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી પ્રધાનમંત્રીને આવકારેલ તેમજ પ્રધાનમંત્રીએ હાજર જન-મેદનીને અભિવાદન કરેલ જેથી હાજર જન-મેદનીએ સાઉન્ડનાં તાલે ચિચિયારી કરતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠેલ હતું. રોડ-શો દરમ્યાન ઉપસ્થિત જનમેદનીએ પુષ્પ વર્ષાથી પ્રધાનમંત્રીને આવકાર્યા હતા. બાદમાં, પ્રધાનમંત્રીએ રેસકોર્ષ ખાતે આયોજીત જાહેર સભામાં ડાયસની સામેની બાજુથી ખુલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થઇ અભિવાદન ઝીલ્યું હતું. રોડ-શોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ જોડાયા હતાં.

આ પ્રસંગે જાહેર સભાને સંબોધન કરતા, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  જણાવેલ કે, આજનો દિવસ માત્ર રાજકોટ માટે નહિ પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. ગુજરાત સહિત અલગ અલગ પાંચ રાજ્યોની એઈમ્સ તેમજ વિવિધ વિભાગોના લોકાર્પણ – ખાતમુર્હુત આજે થયા છે. અગાઉ એક સમય એવો હતો કે જયારે દેશના મુખ્ય કાર્યક્રમો માત્ર દિલ્હીમાં થતાં હતાં આ પરંપરા બદલીને મહત્વપૂર્ણ કાર્યક્રમો દેશના ખૂણે ખૂણે પહોંચ્યા છે. જેમાં આજે આ સિલસિલો રાજકોટ પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર ખુબ જ તેજ ગતિથી વિકાસ કામો હાથ ધરી રહી છે અને પૂર્ણ પણ કરી રહી છે. વિકાસ યજ્ઞના આજના કાર્યક્રમમાં ગુજરાતની સાથે જ દેશના વિવિધ રાજ્યો પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે અને આ માટે તમામ મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ સહિતના સૌને અભિનંદન પાઠવું છું.
   પ્રધાનમંત્રીએ રાજકોટ સાથેનું તેમનું અનુસંધાન યાદ કરતા કહ્યું કે, ગઈકાલે ૨૪મી ફેબ્રુઆરીનો દિવસ મારા માટે ખુબ જ વિશેષ દિવસ રહ્યો છે, ૨૨ વર્ષ પહેલાં ૨૪ ફેબ્રુઆરીએ રાજકોટવાસીઓએ આશીર્વાદ આપી મને ધારાસભ્ય બનાવેલ હતો, તેમજ ૨૫ ફેબ્રુઆરીએ મેં ગાંધીનગરમાં ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. રાજકોટવાસીઓએ મને તેમના પ્રેમ અને વિશ્વાસનો કરજદાર બનાવ્યો છે અને આ ભરોસાને સાર્થક ઠેરવવા સતત પ્રયત્ન કર્યા છે. સમગ્ર દેશ આજે મને પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યો છે તેનું યશદાર રાજકોટ પણ છે. મને વિશ્વાસ છે કે, સમગ્ર દેશ એન.ડી.એ. સરકારને આ જ પ્રકારે આશીર્વાદ આપતો રહેશે. ‘અબ કી બાર... ૪૦૦ કે પાર’ના સંકલ્પને પણ આપનાં આશીર્વાદ મળી રહ્યા છે અને એ માટે આપ સૌને શિશ ઝુકાવી નમન કરું છું. આપ સૌ જોઈ રહ્યા છો કે પેઢીઓ બદલી રહી છે અને લોકોનો પ્રેમ વધી રહ્યો છે. વિકાસ યાત્રા આગળ ધપાવતા રહી લોકોના પ્રેમનું કરજ વ્યાજ સાથે ચુકવવા પ્રયાસ કરી રહ્યો છું.
આજે સવારે દ્વારિકાધામની યાત્રાને યાદ કરતા માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભગવાનશ્રી કૃષ્ણએ જે દ્વારિકા નગરી બનાવી હતી તે સમુદ્રમાં ડૂબી ગઈ હતી આજે સવારે સમુદ્રમાં ઊંડે જઈને આ પૌરાણિક દ્વારિકા નગરીના અવશેષોને સ્પર્શ – પૂજન – દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ અદભૂત આધ્યાત્મિક સાધનાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે. આ પાવન ભૂમિના દર્શન કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી જે આજે પૂર્ણ થઇ છે. આ પર્વિત્ર ભૂમિ પર મોર પંખપણ અર્પણ કર્યું છે. ભાવવિભોર કરનાર આ અવસરનું શાબ્દિક વર્ણન શક્ય નથી. ભારતના ભવ્ય વૈભવ થકી વિકાસ વિરાસતને આગળ ધપાવવાના સંકલ્પને નવી તાકાત મળી છે. એમ કહી શકાય કે વિકસિત ભારતના સંકલ્પ સાથે દૈવીય તાકાત પણ જોડાઈ ગઈ છે.
    આજે એઈમ્સ પ્રાપ્ત કરનાર પાંચેય રાજ્યોને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત, પંજાબ, યુ.પી., પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશને પ્રથમ એઈમ્સ મળશે એવી જે ગેરેંટી આપી હતી તે આજે પૂરી થઇ છે. ‘મોદીની ગેરેંટી એટલે ગેરેંટી પૂરી થવાની ગેરેંટી’, લોકો સરકાર ઉપર ભરોસો શા માટે કરી રહ્યા છે તેનો જવાબ આ એઈમ્સ આપી રહી છે. દેશની આઝાદી બાદના પચાસ વર્ષ સુધી માટે એક એઈમ્સ દિલ્હીમાં કાર્યરત હતી. સાત દસકા સુધીમાં સરકારે સાત એઈમ્સને મંજુરી આપી હતી પરંતુ તે પ્રોજેક્ટ પુરા નહોતા થયા જેની સરખામણીએ છેલ્લા ૧૦ દિવસમાં સાત નવી એઈમ્સના લોકાર્પણ – શિલાન્યાસ થયા છે. છેલ્લા ૧૦ વર્ષમાં હેલ્થ કેર અને ક્રીટીકલ કેર સીસ્ટમનો અભૂતપૂર્વ વિકાસ વિસ્તાર થયો છે. કોરોનાને ભારતે કેવી રીતે હરાવ્યો તેની ચર્ચા આજે વિશ્વભરમાં થઇ રહી છે. ૧૦ વર્ષ પહેલાં દેશમાં ૩૮૦ મેડીકલ કોલેજ હતી જેની સંખ્યા વધુને આજે ૭૦૬ સુધી પહોંચી છે. એમ.બી.બી.એસ.ની ૫૦,૦૦૦ સીટ વધીને આજે એક લાખથી વધુ થઇ છે. ગરીબ અને મધ્યમ વર્ગને વધુ સારો ઈલાજ મળે અને ખર્ચમાં બચત થાય તે પ્રકારે હેલ્થ સીસ્ટમ કાર્યરત છે જેના પરિણામે લોકોનો એક લાખ કરોડનો ખર્ચ બચી શક્યો છે. જન ઔષધી કેન્દ્ર થકી ૮૦% સુધીની સસ્તી દવા મળતા ગરીબ પરિવારો પરનો રૂપિયા ત્રીસ હજાર કરોડના ખર્ચનો બોજો ઘટ્યો છે. ઉજ્જવલા યોજના થકી ગરીબ પરિવારોના રૂ.૭૦,૦૦૦ કરોડથી વધુની બચત થઇ છે.
“પી.એમ. સૂર્ય ઘર” મફત વીજળી યોજનાની જાહેરાત કરતા માન. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાથી લોકોના વીજળી બીલ ઝીરો થશે ઉપરાંત કમાણી પણ થશે. આ યોજના હેઠળ ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે અને બાકીની વીજળી સરકાર ખરીદી લોકોને કમાણી કરાવશે.
અંતમાં માન. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હાલ વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું ભારત નજીકના ભવિષ્યમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનવા આગળ ધપી રહ્યો છે. દેશને વિકસિત બનાવવાના સરકારના સંકલ્પને આપણે સૌ સાથે મળીને સાકાર કરીએ તેવી અપેક્ષા રાખું છું.
 આ પ્રસંગે જાહેર સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ  જણાવેલ કેપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સંકલ્પને હેલ્થ કેર, રોડ – રેલ નેટવર્ક, પાણી, બ્રિજ કનેક્ટિવિટી, ઉર્જા, આહાર-આરોગ્ય-આવાસ વગેરે ક્ષેત્રના વિકાસ કાર્યો થકી સાકાર કરવામાં આવી રહ્યો છે. ૨૦૨૦માં ગુજરાતની પ્રથમ એઈમ્સનું રાજકોટ ખાતે ખાતમુર્હુત કરનાર માન. પ્રધાનમંત્રીએ આજે તેનું લોકાર્પણ પણ કરેલ છે. ‘સૌની યોજના’ થકી ૧૧૫ જળાશયોમાં નર્મદાનીર ઠાલવી દુકાળને ભૂતકાળ બનાવેલ છે. વિકાસ માટેની લોકોની આકાંશા સંતોષવાની ગેરેંટી પૂરી થઇ રહી છે. આજે માન. પ્રધાનમંત્રીશ્રીના હસ્તે રૂ.૪૮,૦૦૦ કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોના લોકાર્પણ – ખાતમુર્હુત થઈ રહ્યા છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લા ચાર દિવસમાં માન. પ્રધાનમંત્રીના વરદ હસ્તે રૂ.૧,૧૦,૦૦૦ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે. સરકાર ત્રીજી ટર્મમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગળ વધશે તેની ગેરેંટી છે. 
બાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકારના, રાજ્ય સરકારના વિવિધ વિભાગોના તથા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ સહિતના કુલ રકમ રૂ.૪૮,૦૦૦ કરોડનાં ૧૩૨ કામો વિવિધ વિકાસ પ્રકલ્પોને ડીઝીટલી રીમોટ કંટ્રોલના માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી, જાહેર જનતાને ભેટ આપેલ હતી તેમજ ઉપસ્થિત સર્વે સમક્ષ એઈમ્સ સહિતના વિવિધ પ્રોજેક્ટની વિગત દર્શાવતી વિડીયો કલીપનું નિદર્શન કર્યું હતું.  
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વરદ્દ હસ્તે કરવામાં આવેલ વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની યાદી:- (કુલ રકમ રૂ.૪૮,૦૦૦ કરોડનાં ૧૩૨ કામો)
૧) એઈમ્સ હોસ્પિટલ, રાજકોટ રૂ.૧,૧૯૫ કરોડ

૨) એઈમ્સ હોસ્પિટલ, કલ્યાણી રૂ.૧,૭૫૪ કરોડ

૩) એઈમ્સ હોસ્પિટલ, મંગલગીરી રૂ.૧,૬૧૮ કરોડ

૪) એઈમ્સ હોસ્પિટલ, ભટિંડા રૂ.૯૨૫ કરોડ
૫) એઈમ્સ હોસ્પિટલ, રાયબરેલી રૂ.૮૨૩ કરોડ
૬) વિદ્યુત મંત્રાલય, ભારત સરકારના રૂ.૧૬,૨૯૫ કરોડથી વધુ રકમના ૧૦ પ્રકલ્પો
૭) પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય, ભારત સરકારના રૂ.૯,૦૨૮ કરોડનો ૧ પ્રકલ્પ
૮) શ્રમ અને રોજગાર(ESIC) વિભાગ, ભારત સરકારના રૂ.૨,૨૮૦ કરોડથી વધુ રકમના ૨૧ પ્રકલ્પો
૯) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના રૂ.૧,૫૮૪ કરોડથી વધુ રકમના ૧૨ પ્રકલ્પો
૧૦) પાણી પુરવઠા વિભાગના રૂ.૨૮૭ કરોડથી વધુ રકમના ૩ પ્રકલ્પો
૧૧) પ્રવાસન વિભાગના રૂ.૬૬ કરોડથી વધુ રકમનો ૧ પ્રકલ્પ
૧૨) આરોગ્ય વિભાગ, ભારત સરકારનાં રૂ.૫,૦૭૭ કરોડથી વધુ રકમના ૬૩ પ્રકલ્પો
૧૩) NHAI વિભાગના રૂ.૩,૮૮૨ કરોડથી વધુ રકમના ૩ પ્રકલ્પો
૧૪) રેલ્વે વિભાગના રૂ.૨,૧૦૯ કરોડથી વધુ રકમના ૪ પ્રકલ્પો
૧૫) એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૫૬૬ કરોડથી વધુ રકમના ૫ પ્રકલ્પો
૧૬) બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, ભારત સરકારના રૂ.૨૭૩ કરોડથી વધુ રકમનો ૧ પ્રકલ્પ
૧૭) માર્ગ અને મકાન વિભાગના રૂ.૨૪૨ કરોડથી વધુ રકમના ૩ પ્રકલ્પો

  આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાસંદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સંસદ સભ્યઓ મોહનભાઈ કુંડારિયા,વિનોદભાઈ ચાવડા,રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા,રાજેશભાઈ ચુડાસમા, ડૉ. ભારતીભાઈ શિયાળ,નારણભાઈ કાછડિયા દ્વારા એઈમ્સની સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી, ઉષ્માભેર સ્વાગત કરેલ

  . ત્યારબાદ ધારાસભ્યઓ ઉદયભાઈ કાનગડ,  ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા,જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા શ્રી રામ મંદિરની પ્રતિકૃતિની ભેટ તેમજ મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા

, વિરેન્દ્રસિંહ ઝાલા, ડૉ. માધવભાઈ દવે દ્વારા એઈમ્સની સ્મૃતિ ચિન્હ અર્પણ કરેલ જયારે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા તથા જીલ્લા ભાજપના મહામંત્રીઓ અને તેમની ટીમ દ્વારા માન. પ્રધાનમંત્રીને પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.

   આ લોકાર્પણ અને ખાતમુર્હુત માટે આયોજિત જાહેર સભામાં ડાયસ પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, કન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, સંસદ સભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાત રાજ્યના કેબીનેટ/રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, ભાનુબેન બાબરિયા,મુકેશભાઈ પટેલ, કર્ણાટક રાજ્યના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, સંસદ સભ્યઓ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા,રાજેશભાઈ ચુડાસમા, ડૉ. ભારતીભાઈ શિયાળ,નારણભાઈ કાછડિયા, ધારાસભ્યઓ ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ,  રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેલ.

  વિશેષમાં આ કાર્યક્રમમાં ગુજરાત સરકારશ્રીના મુખ્ય સચિવ રાજકુમાર, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોધરા, રાજકોટ શહેર ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જીલ્લા કલેકટર પ્રભવ જોષી, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડૉ. માધવભાઈ દવે, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, શિક્ષણ સમિતિના સદસ્યઓ, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીરીઓ, જીલ્લા પંચાયતના સભ્યઓ, શહેર ભાજપ – જીલ્લા ભાજપના હોદ્દેદારઓ, વિવિધ મોરચાના તથા સંગઠનના હોદ્દેદારો, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં નાગરીકો સભામાં ઉપસ્થિત રહેલ હતા

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેસકોર્ષ ખાતે જાહેર સભાને સંબોધિત કરી હતી તે વેળાની તસ્વીર નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

(8:00 pm IST)