Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

દિવ્યા ભારતીની આજે જન્મજયંતિઃ દિવ્યા હંમેશા કહેતી કે જલ્દી ચાલો, જલ્દી કરો, જીંદગી ખુબ નાની છે

નવી દિલ્હી: બોલીવુડની દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી આજે પણ પોતાના ફેન્સના હ્રદયમાં જીવિત છે. દિવ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે ખુબ જ નાની ઉંમરમાં એવો મુકામ મેળવ્યો કે જેને કમાવવા માટે લોકો આખી જિંદગી મહેનત કરી નાખે છે. દિવ્યાનો જન્મ 25 ફેબ્રુઆરી 1974માં મુંબઈમાં થયો હતો.

પહેલી જ ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી દિવ્યા

દિવ્યાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1990માં તેલુગુ ફિલ્મ 'બોબ્બિલી રાજા'થી કરી હતી. તમામ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યા બાદ દિવ્યાએ 1992માં ફિલ્મ વિશ્વાત્માથી બોલીવુડમાં ડગ માડ્યા. પહેલી ફિલ્મના ગીત 'સાત સમુંદર પાર...'એ રાતોરાત હિન્દી ફિલ્મ જગતમાં તેને સ્ટાર બનાવી દીધી.

નિધન બાદ રિલીઝ થઈ 3 ફિલ્મો

ફક્ત 3 વર્ષની ફિલ્મી કરિયરમાં દિવ્યા દિલ કા ક્યા કસૂર, શોલા ઔર શબનમ અને દિવાના જેવી ઉત્કૃષ્ટ ફિલ્મોનો ભાગ બની. જો કે 5 એપ્રિલ 1993માં તેણે હંમેશા માટે આ દુનિયાને અલવીદા કહી નાખી. દિવ્યા તે સમયે માત્ર 19 વર્ષની હતી. તેના નિધન બાદ તેની રંગ, શતરંજ અને થોલિ મુદ્ધુ રિલીઝ થઈ.

આયેશા ઝુલ્કાએ કર્યો હતો ખુલાસો

રંગમાં દિવ્યા ભારતી સાથે અભિનેત્રી આયેશા ઝુલ્કા પણ જોવા મળી હતી. પહેલીવાર હતું કે જ્યારે આ બંને અભિનેત્રી એકસાથે જોવા મળી હતી. આયેશાએ એક ઈન્ટરવ્યુમાં દિવ્યા સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા ફિલ્મ દરમિયાન તે સંલગ્ન કેટલીક અજીબ ઘટનાઓનો પણ ખુલાસો કર્યો હતો.

પડ્યો હતો સ્ક્રીનનો પડદો

આયેશાએ કહ્યું હતું કે "એક દિવસ ખુબ જ અજીબ વાત થઈ. હું 'રંગ'ની ટીમ સાથે ફિલ્મની ટ્રાયલ જોવા માટે ફિલ્મ સિટી પહોંચી હતી. ત્યારબાદ સ્ક્રીન પર જેવો દિવ્યાનો સીન આવ્યો કે સ્ક્રીનનો પડદો અચાનક નીચે પડ્યો. આ ઘટનાથી બધા ચોંકી ગયા અને ડરી ગયા હતા. કોઈને કશું સમજમાં ન આવ્યું કે આવું કેમ થયું."

દરેક વાત માટે ઉતાવળ દેખાડતી હતી દિવ્યા

આયેશા ઝુલ્કાએ દિવ્યા માટે વધુ એક વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે 'દિવ્યા દરેક કામ માટે ખુબ ઉતાવળ કરતી હતી. તે હંમેશા કહેતી હતી કે જલદી ચલો, જલદી કરો, જિંદગી ખુબ નાની છે.' આયેશાએ કહ્યું કે "તેણે ક્યારેય કઈ સ્પષ્ટ તો નથી કહ્યું. પરંતુ કદાચ માણસને પહેલેથી જ કેટલાક આભાસ થઈ જાય છે. દિવ્યાને દરેક ચીજ ખુબ જલદી મળી ગઈ."

દિવ્યાએ ગૂપચૂપ કર્યા હતા લગ્ન

નોંધનીય છે કે દિવ્યાએ 10 મે 1992ના રોજ એક ખાનગી સમારોહમાં મશહૂર નિર્માતા-નિર્દેશક સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન માત્ર દિવ્યા તેના પતિ દિવ્યાના હેર ડ્રેસર, મિત્ર સંધ્યા જ હાજર હતા.

(4:58 pm IST)