Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ, ગુગલ જેવી કંપનીઓ ઉપર સરકારનો શિકંજો

સોશ્યલ મીડીયા, ઓટીટી અને વેબસાઈટ માટે સરકારે જારી કરી નવી ગાઈડલાઈન્સ : યુઝર્સને મળશે વધુ તાકાતઃ કંપનીઓએ બનાવવુ પડશે યોગ્ય મિકેનીઝમઃ વાંધાજનક મામલા ૩૬ કલાકમાં હટાવવા પડશેઃ સોર્સની માહિતી પણ આપવી પડશે

નવી દિલ્હી, તા. ૨૫ :. કેન્દ્ર સરકારે આજે સોશ્યલ મીડીયા અને ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ માટે નવી ગાઈડલાઈન્સ જારી કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે આજે બપોરે એક પત્રકાર પરિષદમાં આ માર્ગદર્શિકાઓની જાહેરાત કરી હતી. નવી ગાઈડલાઈન્સના દાયરામાં ફેસબુક, ટ્વીટર જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ અને નેટફલીકસ, એમેઝોન પ્રાઈમ, હોટ સ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ આવી જશે.

મંત્રીઓએ કહ્યુ હતુ કે, સોશ્યલ મીડીયા કંપનીઓને ભારતમાં વેપાર કરવા માટે સ્વાગત છે. અમે તેના વખાણ કરીએ છીએ. વેપાર કરે અને પૈસા પણ કમાઈ. તેમણે કહ્યુ હતુ કે સરકાર અસહમતીના અધિકારનું સન્માન કરે છે પરંતુ એ જરૂરી છે કે યુઝર્સને સોશ્યલ મીડીયાના દુરૂપયોગને લઈને સવાલ ઉઠાવવા માટે ફોરમ આપવામાં આવે. તેમણે કહ્યુ હતુ કે અમારી પાસે અનેક ફરીયાદો આવી હતી કે સોશ્યલ મીડીયા પર માફર્ડ તસ્વીરો શેયર કરવામાં આવી રહી છે. આતંકી ગતિવિધિઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મના દુરૂપયોગનો મામલો સિવીલ સોસાયટીથી લઈને સંસદ અને સુપ્રિમ સુધી પહોંચી ચૂકયો છે.

તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં વોટસએપના ૫૩ કરોડ, ફેસબુકના ૪૦ કરોડથી વધુ, ટ્વીટર પર ૧ કરોડથી વધુ યુઝર છે. તેમણે કહ્યુ હતુ કે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મએ ઓફિસરોની તૈનાતી કરવી પડશે. કોઈપણ વાંધાજનક મામલાને ૨૪ કલાકમાં હટાવવા પડશે. પ્લેટફોર્મએ ભારતમા પોતાના નોડલ ઓફિસર, રેસીડેન્ટ ગ્રીવન્સ ઓફિસર નિમવા પડશે. આ સિવાય દર મહિને કેટલી ફરીયાદો પર પગલા લેવાયા ? તેની માહિતી આપવી પડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ હતુ કે અફવા ફેલાવનાર પ્રથમ વ્યકિત કોણ છે ? તેની માહિતી આપવી જરૂરી છે કારણ કે તે પછી જ લગાતાર તે સોશ્યલ મીડીયા પર ફેલાતુ જાય છે.

નવા નિયમો બાદ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર વાંધાજનક અને ગેરકાનૂની પોસ્ટને ૩૬ કલાક અંદર હટાવવા પડશે. પહેલા આ સમય સિમા ૭૨ કલાકની હતી. ફેસબુક, ટ્વીટર, વોટસએપ, ગુગલ જેવી કંપનીઓએ હવે સરકારની વાત માનવી પડશે અને નક્કી કરેલી સમય સીમા અંદર તેઓએ કન્ટેન્ટ પણ હટાવવા પડશે. એટલુ જ નહિ સરકાર કંપનીઓ પાસેથી ગેરકાનૂની કન્ટેન્ટના સોર્સ અંગે પણ માહિતી માંગી શકે છે કે જેથી તેમના પર કાર્યવાહી થઈ શકે. સોશ્યલ મીડીયા કંપનીએ ભારતમાં પોતાની ઓફિસ ખોલવી અનિવાર્ય રહેશે.

સોશિયલ મીડિયા પોલીસી

*          બે પ્રકારની કેટેગરી રહેશેઃ સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયર અને સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયરી.

*          દરેક પ્લેટફોર્મે ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનિઝમ બનાવવું પડશે. ૨૪ કલાકમાં ફરિયાદ દાખલ થશે અને ૧૪ દિવસમાં તેનો નિકાલ લાવવાનો રહેશે.

*          જો યૂઝર્સ ખાસ કરીને મહિલાઓની માન-મર્યાદા સાથે ચેડાં થયા હોવાની ફરિયાદ થઈ તો ૨૪ કલાકમાં કન્ટેન્ટ ડિલીટ કરવું પડશે.

*          સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયાએ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર રાખવો પડશે, જે ભારતનો નિવાસી હોવો જોઈએ.

*          એક નોડલ કોન્ટેક્ટ પર્સન રાખનો પડશે જે ૨૪ કલાક કાનૂની એજન્સીઓના સંપર્કમાં રહેશે.

*          માસિક કમ્પ્લાયન્સ રિપોર્ટ જારી કરવો પડશે.

*          સોશિયલ મીડિયા પર કોઈ અટકચાળો કે હરકત સૌથી પહેલા કોણે કરી તે સોશિયલ મીડિયા કંપનીએ જણાવવું પડશે.

*          દરેક સોશિયલ મીડિયા કંપનીનું ભારતમાં એક એડ્રેસ હોવું જોઈએ.

*          દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે યૂઝર્સ વેરિફિકેશનની વ્યવસ્થા હોવી જોઈએ.

*          સોશિયલ મીડિયાના નિયમ આજથી લાગુ થશે. સિગ્નિફિકેંટ સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયરને મહિનાનો સમય મળશે.

            કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકારને સમજાયું કે મીડિયા પ્લેટફોર્મ માટે એક લેવલ-પ્લેઈંગ ફીલ્ડ હોવું જોઈએ. માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. માટે લોકોની પણ માગ હતી.

ઓટીટી પ્લેટફોર્મ્સ માટેની ગાઈડલાઈન્સ

*          ઓટીટી અને ડિજિટલ ન્યૂઝ મીડિયાને પોતાના વિશે વિસ્તૃત જાણકારી આપવી પડશે. રજિસ્ટ્રેશન અનિવાર્ય નથી.

*          બંનેએ ગ્રીવન્સ એડવાન્સ રિડ્રેસલ સિસ્ટમ લાગુ કરવી પડશે. જો ચૂક થશે તો પોતે રેગ્યુલેટ કરવું પડશે.

*          ઓટીટી પ્લેટફોર્મ્સે સેલ્ફ રેગ્યુલેશન બોડી બનાવી પડશે જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અથવા કોઈ જાણીતી હસ્તીના વડપણ હેઠળ હશે.

*          સેન્સર બોર્ડની જેમ ઓટીટી પર પણ ઉંમર મુજબ સર્ટિફિકેશનની વ્યવસ્થા હોવી જોઈએ. એથિક્સ કોડ ટીવી અને સિનેમા જેવો રહેશે.?         

*           ડિજિટલ મીડિયા પોર્ટલ્સને અફવા અથવા જૂઠ્ઠાણું ફેલાવાનો કોઈ અધિકાર નથી.

(7:46 pm IST)