Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

દસ પ્રભાવિત રાજ્યોમાં કેન્દ્ર દ્વારા ટીમ મોકલાશે

દેશમાં કોરોના મહામારીએ ફરીવાર માથું ઊંચક્યું : મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મ.પ્ર, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડૂ, પ.બંગાળ, જમ્મુ-કાશ્મીર સામેલ

નવી દિલ્હી,તા.૨૪ : દેશમાં કોરોના મહામારીએ ફરીવાર માથુ ઉંચકતા કેન્દ્ર સરકારે પ્રભાવિત દસ રાજ્યોમાં કેન્દ્રિય ટીમ મોકલાવાનો નિર્ણય કર્યો છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડૂ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીર સામેલ છે. આ દસ રાજ્યોમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે. અચાનક વધી રહેલા કોરોના સંક્રમણના કેસને લઇને કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી અને આ પહેલા કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને દૈનિક સ્તરે આરટી-પીસીઆર ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી હતી. નોંધનીય છે કે, દેશમાં કોરોના સંક્રમણના વધતાં કેસને મુદ્દે દેશના કેટલાક રાજ્યોમાં કોવિડ પ્રતિબંધો ફરીવાર લાગૂ કરાયા હતા. હાલમાં મહારાષ્ટ્ર અને કેરળમાં ગંભીર સ્થિતિ બની રહી છે. મહારાષ્ટ્ર સરકારે તો પહેલા મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવી ચૂકી છે, અહીં કેટલાક શહેરોમાં શાળા કોલેજો બંધ કરવાના આદેશ આપી દેવાયા હતા. તેમજ કોવિડ નિયમોનું કડક પાલન કરવાની સૂચના પણ વારંવાર આપવામાં આવી રહી છે. આ સિવાય સ્વાસ્થ મંત્રાલયના એક અધિકારી મુજબ પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના દૈનિક સ્તરે કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો હતો.

(12:00 am IST)