Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

'હેપ્પીનેસ કલાસ' જોવા પહોંચ્યા મેલાનિયા : તિલક - આરતી ઉતારી કરાયુ સ્વાગત

દિલ્હીની સરકારી શાળામાં મેલાનિયાનું ઉષ્માભેર સ્વાગત : બાળકો સાથે સમય વિતાવ્યો : કેજરીવાલે ટ્વિટ કરી ખુશી વ્યકત કરી : બેન્ડવાજા સાથે સ્વાગત કરાતા મેલાનિયા ખુશખુશાલ

નવી દિલ્હી તા. ૨૫ : અમેરિકાનાં પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ નાનકપુરામાં દિલ્હી સરકારની એક સ્કૂલની મુલાકાત લેવા પહોંચ્યાં હતાં. મેલાનિયા ટ્રમ્પ સ્કૂલના દરવાજા પાસે ખુશ (હેપ્પી) થઈ ગયાં, જયારે એક નાના બાળકે તેમના માથા પર તિલક લગાવ્યું અને આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું હતું. માથે તિલક લગાવ્યા બાદ મેલેનિયા ચહેરાના ખુશી છલકતી હતી. મેલેનિયા ટ્રમ્પ આરકે પુરમ સ્થિત સર્વોદય સહશિક્ષણ વરિષ્ઠ માધ્યમિક સ્કૂલમાં 'હેપ્પીનેસ કલાસ' જોવા પહોંચ્યાં હતાં.

મેલનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત વિશે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ખુશી વ્યકત કરી હતી. કેજરીવાલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે આજે અમારી સ્કૂલમાં હેપીનેસ કલાસમાં તેઓ ભાગ લેશે. અમારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દિલ્હીવાસીઓ માટે સારો દિવસ. સૈકાઓથી ભારત વિશ્વને આધ્યાત્મિકતા શીખવાડી છે. મને ખુશી છે કે તેઓ અમારી સ્કૂલમાંથી ખુશીનો સંદેશ પાછો લેશે.

તેમના માટે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી. તેમણે આ સ્કૂલમાં કેજરીવાલ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના હેપીનેસ કલાસ વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવી હતી. દિલ્હી સરકારની સ્કૂલોમાં આશરે દોઢ વર્ષ પહેલાં હેપીનેસ કરિકુલમ શરૂ કરવામાં આવ્યો હતો.

દિલ્હીની સરકારી સ્કૂલોમાં ચાલતા હેપ્પીનેસ કલાસ ૪૫ મિનિટના હોય છે. સ્કૂલના દિવસોમાં એ દરરોજ હોય છે. આમાં નર્સરીથી માંડીને ધોરણ આઠમા સુધીનાં બાળકો સામેલ હોય છે. બાળકોને સૌથી પહેલાં ધ્યાન કરાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારની પૂજા નથી કરવામાં આવતી, માત્ર પોતાના શ્વાસોચ્છવાસ પર ધ્યાન આપવામા આવે છે. પોતાના મન પર ધ્યાન આપવાનું કહેવામાં આવે છે. પોતાના વિચારો પર ધ્યાન આપવાનું કહેવામાં આવે છે. આ ભારતની બહુ જૂની સંસ્કૃતિ છે.

(3:19 pm IST)