Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

કોરોના વાયરસની ઇફેકટ

દેશભરમાં કોમ્પ્યુટર સામાનની તોળાતી અછત

ચીનથી આયાત બંધ થઇ એશિયાના સૌથી મોટા માર્કેટ નહેરૂ પ્લેસમાં સ્ટોક પૂરો

નવી દિલ્હી તા. ૨૫ : દેશની સૌથી મોટી કોમ્પ્યુટર માર્કેટ (નેહરૂ પ્લેસ)માં કોમ્પ્યુટરના સામાનનો સ્ટોક ખલાસ થઇ રહ્યો છે. કોરોના વાયરસના કારણે ચીનથી આયાત પર પ્રતિબંધ લાગેલો છે. આયાત થતી નથી અને વર્તમાન સ્ટોક ખલાસ થવાથી આ અઠવાડીયે માર્કેટમાં કોમ્પ્યુટરનો બધો સામાન ખલાસ થઇ જશે. આના લીધે દેશમાં આવતા મહીનાથી કોમ્પ્યુટર અને લેપટોપના સામાનની હાડમારી શરૂ થઇ જશે. ઓલ દિલ્હી કોમ્પ્યુટર ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મહિંદર અગ્રવાલ જણાવે છે કે કોમ્પ્યુટર સંબંધી મોટાભાગનો સામાન ચીનથી જ આયાત કરાય છે. આખા દેશના વેપારીઓ અહીં રોજ હાર્ડ ડ્રાઇવ, રેમ, મધરબોર્ડ, સ્ક્રીનગાર્ડ, કીબોર્ડ વગેરે સામાન ખરીદવા આવે છે. માર્કેટમાં જે કંઇ પણ સ્ટોક હતો તે બધો આ અઠવાડીયે ખલાસ થઇ જશે. ચીનથી આયાત બિલકુલ બંધ છે અને કયાં સુધી બંધ રહેશે તેની કોઇ માહિતી નથી. આવતા મહિને જ્યારે સ્ટોક સાવ ખલાસ થઇ જશે તો અમે વેપારીઓને સામાન નહી વેચી શકીએ. પછી દેશભરમાં કોમ્પ્યુટરના સામાનની રામાયણ થવાની છે.

નેહરૂ પ્લેસના દુકાનદાર રાજેશ ચૌહાણ જણાવે છે કે તે અહીંના મોટા ડીલરો પાસેથી સામાન ખરીદીને ગ્રાહકોને વેચે છે. મોટા ડીલરો પાસે હવે માલ નથી આવી રહ્યો. જે સામાન આવી રહ્યો છે તેની કિંમતો ૫૦ ટકા સુધી વધી ગઇ છે. કિંમતો વધી જવાથી લોકોએ ખરીદી ઘટાડી નાખી છે. આના લીધે વકરો એક મહિનાથી ઘટીને અડધો થઇ ગયો છે. દુકાન પર સામાન ખરીદવા આવેલ નાવેન્દ્ર ચૌધરીનું કહેવું છે કે બે મહિના પહેલા તે પોતાના લેપટોપ માટે મધરબોર્ડ લેવા આવ્યા ત્યારે ૬૦૦૦ રૂપિયામાં મળ્યું હતું પણ અત્યારે તેની કિંમત વધીને ૮ હજાર થઇ ગઇ છે.

(11:31 am IST)