Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

નીતિશકુમારનો યુ-ટર્ન

બિહારમાં એનઆરસી લાગુ નહીં થાય

દરભંગા તા. રપઃ બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે એનઆરસી અને એનપીઆરને લઇને મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે બિહારના દરભંગામાં એક રેલી સંબોધિત કરતા જણાવ્યું કે બિહારમાં એનઆરસી લાગુ નહીં થાય. સાથે સાથે તેમણે જણાવ્યું કે એનપીઆર કોઇપણ ફેરફાર વગર ર૦૧૦ના નિયમો મુજબ જ લાગુ થશે. જોકે તેમણે નાગરિકતા સુધારણા કાયદા (સીએએ) ને લઇને મૌન ધારણ કર્યું હતું.

દરભંગાના મૌલાના આઝાદ યુનિવર્સિટી કેમ્પસમાં લોકોએ જયારે મુખ્ય પ્રધાન સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે વાત કરવા જણાવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે બિહારમાં એનઆરસી લાગુ નહીં થાય. એટલું જ નહીં તેમણે મૌલાના અબુલ કલામ આઝાદની તુલના મહાત્મા ગાંધી સાથે પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જેની રીતે બાપુને લોકો યાદ રાખે છે તેમ મૌલાના આઝાદને પણ યાદ રાખવા પડશે, કેમકે તેઓ પણ દેશના ભાગલાની વિરૂદ્ધ હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં લઘુમતી સમાજને આકર્ષિત કરવાના પ્રયાસ હેઠળ એનઆરસી લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે. નીતિશકુમાર લઘુમતી સમાજ માટે અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવા અહીં પહોંચ્યા હતા.

(11:21 am IST)