Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો વીવીપીએટીનો ડેટા એક વર્ષ પહેલા જ નાશ કરી નિયમોનો ભંગ કર્યો

બે બિન સરકારી સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે

નવી દિલ્હી, તા.૨૫: બે બિન સરકારી સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે કે ચૂંટણી પંચે ગયા વર્ષની લોકસભા ચૂંટણીનો વીવીપીએટી(વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ)નો ડેટા એક વર્ષ પહેલા જ નાશ કરીને ચૂંટણીના નિયમોનો ભંગ કર્યો છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) અને કોમન કોઝ નામના બે બિનસરકારી સંગઠનોએ આરટીઆઇ કરીને ચૂંટણી પંચ પાસેથી વીવીપીએટી માહિતી માગતી હતી. જેના જવાબમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેમણે આ ડેટાનો નાશ કરી નાખ્યો છે.

બંને બિન સરકારી સંગઠનોએ મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેના નેતૃત્ત્વવાળી ખંડપીઠને જણાવ્યું હતું કે કન્ડકટ ઓફ ઇલેકશન રૂલ્સના નિયમ પ્રમાણે વીવીપીએટીના ડેટાને એક વર્ષ સુધી સાચવવો જરૂરી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે ઉપરાંત ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્ત સૂર્યકાંતની ખંડપીઠે જણાવ્યું હતું કે હાલમાં અમે આ બાબતને ધ્યાનમાં લઇશું નહીં.

એનજીઓ વતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું છે કે આરટીઆઇ અરજી હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં આંચકાજનક વિગતો બહાર આવતા અમને આ સંદર્ભમાં અરજી કરવાની ફરજ પડી છે.

ખંડપીઠે આ અગાઉ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ૩૪૭ મત વિસ્તારોમાં કરાયેલા મતોની ગણતરી અને વોટરોની ટકાવારી વચ્ચે અંતર હોવાના આરોપ સાથે કરાયેલી જાહેર હિતની અરજીની સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી હતી. જો કે ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધી આ નોટિસનો જવાબ મોકલવામાં આવ્યો નથી.

પોતાની ટીમના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટાનો ઉલ્લેખ કરીને એડીઆરએ જણાવ્યું હતું કે મતોની ગણતરી અને વોટરોની ટકાવારી વચ્ચે જોવા મળેલું અંતર ચિંતાજનક છે.

એડીઆરએ વધુમાં જણાવ્યું છે કે વિસંગતતા એક વોટથી લઇને ૧,૦૧,૩૨૩ વોટની જોવા મળી રહી છે. છ સીટ એવી છે કે જેમાં મતોની વિસંગતતા વિજયના માર્જિન કરતા પણ વધારે છે.

(10:13 am IST)