Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

સુન્ની વકફ બોર્ડ પાંચ એકર જમીન પર મસ્જિદ, હોસ્પિટલ, લાઈબ્રેરી બનાવશે

અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે રાજય સરકાર દ્વારા અપાયેલી પાંચ એકર જમીનનો સુન્ની વકફ બોર્ડ સ્વીકાર કરશે

લખનઉ, તા.૨પઃ અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે રાજય સરકાર દ્વારા અપાયેલી પાંચ એકર જમીનનો સુન્ની વકફ બોર્ડ સ્વીકાર કરશે. આ અંગે લખનઉમાં સોમવારે યોજાયેલી સુન્ની વકફ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર અહેમદ ફારૂકીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મીડિયાને માહિતી આપી હતી. આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી, જેમાં બોર્ડના આઠમાંથી છ સભ્યો હાજર રહ્યા હતા જયારે બે સભ્યોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

રામજન્મ ભૂમિ- બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના સોહાવાલ વિસ્તારના ધન્નિપુર ગામમાં મસ્જિદ માટે પાંચ એકર જમીન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.

આ ભૂમિ પર મસ્જિદ બનાવવા માટે એક ટ્રસ્ટની રચના કરાશે. જેના પદિાધકારીઓની જાહેરાત ટ્રસ્ટની રચના પછી કરાશે. રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર એક મસ્જિદની સાથે એક એવું કેન્દ્ર બનાવાશે, જે ઈન્ડો ઈસ્લામિક સભ્યતા દર્શાવશે. સાથે જ એક ચેરિટેબલ હોસ્પિટલ અને પબ્લિક લાઈબ્રેરી બનાવવામાં આવશે તેમજ અન્ય ઉપયોગી સુવિધાઓ ઊભી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

મસ્જિદનું નામ બાબરી મસ્જિદ રખાશે કે કેમ તેવા સવાલના જવાબમાં ફારૂકીએ કહ્યું કે મસ્જિદના નામ અંગેનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા કરાશે. બોર્ડને તેની સાથે કોઈ સંબંધ નથી. મસ્જિદના કદ અંગે સૃથાનિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવશે.

રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર નવેમ્બરમાં ઐતિહાસિક ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે મંદિરના બાંધકામની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટે રાજય અને કેન્દ્ર સરકારને અયોધ્યામાં મસ્જિદના બાંધકામ માટે વૈકલ્પિક પાંચ એકર જમીન ફાળવવા પણ આદેશ આપ્યો હતો.

જોકે, સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી મુસ્લિમ સમાજમાંથી એવા પણ સૂચનો થયા હતા કે સુન્ની વકફ બોર્ડે વૈકલ્પિક જમીન સ્વીકારવી જોઈએ નહીં. ઉપરાંત મસ્જિદના બદલે હોસ્પિટલ જેવી જાહેર સુવિધાઓના બાંધકામ અંગે પણ સૂચનો થયા હતા.

જોકે, સુન્ની વકફ બોર્ડે સ્પષ્ટ કરી દીધું હતું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પગલે વકફ બોર્ડ પાસે અયોધ્યામાં મસ્જિદના બાંધકામ માટે પાંચ એકરની વૈકલ્પિક જમીન સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે જમીનનો સ્વીકાર નહીં કરવામાં આવે તો કોર્ટની અવમાનના થશે. સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પગલે ઉત્તર પ્રદેશની કેબિનેટે પાંચમી ફેબુ્રઆરીએ વકફ બોર્ડને અયોધ્યાના સોહાવલ વિસ્તારના ધન્નિપુર ગામમાં પાંચ એકર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો હતો.

(10:12 am IST)