Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

લોકતંત્રમાં દરેકને વિરોધનો અધિકારઃ સરકાર હંમેશા સાચી નથી હોતીઃ વિરોધીને દેશદ્રોહી ગણવા ન જોઈએ

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિપક ગુપ્તા કહે છે...બંધારણે દરેકને સરકારને સવાલ કરવા, પડકારવા, જવાબદારી માંગવાનો અધિકાર આપ્યો છેઃ લોકોને લાગે કે સરકારનું પગલુ યોગ્ય નથી તો એક જુથ થઈ દેખાવ કરવાનો તેનો અધિકાર છેઃ વિરોધાભાસી વિચાર રાખો તેનો મતલબ એ નથી કે તમે રાષ્ટ્રવિરોધી છો

નવી દિલ્હી, તા. ૨૫ :. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ દિપક ગુપ્તાએ જણાવ્યુ છે કે લોકતંત્રમાં વિરોધ કરવાનો દરેકને અધિકાર છે.  વિરોધને દબાવવાથી લોકતંત્ર ઉપર ખરાબ અસર પડશે. તેમણે કહ્યુ છે કે કાર્યપાલિકા, ન્યાય પાલિકા, નૌકરશાહી અને સશસ્ત્ર દળોની ટીકાને રાષ્ટ્ર વિરોધી ગણાવી ન શકાય.

જસ્ટીસ ગુપ્તાએ અહીં સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશન તરફથી 'લોકતંત્ર અને અસહમતી' વિષય પર આયોજીત સેમિનારમાં સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે બંધારણે આપણને વિરોધનો સૌથી મોટો અને મહત્વનો અધિકાર આપ્યો છે. જેમાં ટીકા કરવાનો અધિકાર પણ સામેલ છે. અસહમતી વગર લોકતંત્ર હોય જ ન શકે. જસ્ટીસ ગુપ્તાએ કહ્યુ હતુ કે જ્યાં સુધી કોઈ વ્યકિત કાયદાનો ભંગ ન કરે કે હિંસાને ભડકાવે ત્યાં સુધી તેને સરકાર સાથે જ દરેક પ્રકારની અસહમતી જતાવવાનો હક્ક છે.

તેમણે કહ્યુ હતુ કે જો હાઈકોર્ટના જજ તેમને મળનારી માનહાનીના બધા મામલા પર વિચાર કરવા લાગે તો તેમની પાસે માનહાનીના મામલાની સુનાવણી સિવાય કોઈ કામ બાકી નહિ બચે. વાસ્તવમાં હું ન્યાય પાલિકાની ટીકાનું સ્વાગત કરૂ છું, કારણ કે જો ટીકા થશે તો જ સુધાર થશે. તેમણે કહ્યુ હતુ કે આત્મનિરીક્ષણની જરૂર છે, કારણ કે જ્યારે આપણે આત્મનિરીક્ષણ કરીએ ત્યારે આપણને લાગશે કે આપણા અનેક એવા ફેંસલા છે જેમા સુધારાની જરૂર છે.

જસ્ટીસ ગુપ્તાએ કહ્યુ હતુ કે વિધાયીકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા, સશસ્ત્ર દળો કે રાજ્યોની સંસ્થાઓની ટીકાને રાષ્ટ્રવિરોધી ઠેરવી ન શકાય. જો વિરોધને દબાવવામાં આવે તો લોકતંત્રની જગ્યા પોલીસ રાજ્ય બની જાય છે. જેની કલ્પના આપણા દેશના સ્થાપકોએ કદી નહોતી કરી.

૬ઠ્ઠી મે એ નિવૃત થનારા જસ્ટીસ ગુપ્તાએ કહ્યુ હતુ કે બંધારણે દરેક નાગરીકને સરકાર કરવા, પડકાર કરવા, સત્યાપન કરવા અને જવાબદારી માંગવાનો હક્ક આપ્યો છે. તેમણે આગળ કહ્યુ હતુ કે આ અધિકારોને કદી પણ છીનવી ન શકાય. અન્યથા આપણે એક મરણાશન સમાજ બની જશું કે જે આગળ વિકાસ કરવા સક્ષમ ન હોય.

સુપ્રિમ કોર્ટના જજનું કહેવુ છે કે મતભેદ હોવા તે રાષ્ટ્રવિરોધી નથી. આ તો સૌથી મોટો અને અતિ મહત્વનો અધિકાર છે જે બંધારણે આપ્યો છે. તેમણે કહ્યુ હતુ કે માત્ર એટલા માટે કે તમે વિરોધાભાષી વિચાર રાખો છો તેનો એ અર્થ નથી કે તમે રાષ્ટ્રવિરોધી છો કે દેશનું અપમાન કરો છો. તમે સરકારની વિરૂદ્ધ હોય શકો છો પરંતુ દેશની વિરૂદ્ધ થઈ શકતા નથી. જસ્ટીસ ગુપ્તાનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે સીએએ, એનઆરસી અને એનપીઆર વિરૂદ્ધ દેશમાં દેખાવો થઈ રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે સરકાર અને દેશમાં અંતર છે. જો લોકોને લાગે કે સરકારે લીધેલુ પગલુ યોગ્ય નથી તો એક જુથ થવુ અને દેખાવો કરવા તે તેમનો અધિકાર છે. કાયમ એ સાચા હોય તે જરૂરી નથી. એટલુ જ નહિ સરકાર પણ હંમેશા સાચી હોય ન શકે. જો વિરોધ શાંતિપૂર્ણ હોય તો તેને દબાવવા કે કચડી નાખવાનો કોઈને અધિકાર નથી.

ન્યાય પ્રણાલીમાં મતભેદના મહત્વનો ઉલ્લેખ કરતા જસ્ટીસ ગુપ્તાએ કહ્યુ હતુ કે નીડરતા વગર અને સ્વતંત્ર ન્યાયપાલિકાનુ લોકતંત્ર હોય ન શકે. જજે રાજકીય તાકાત અને મીડીયાના પ્રભાવ તથા ખુલ્લેઆમ મતભેદથી ડરવુ ન જોઈએ. તેમણે કહ્યુ હતુ કે હાલમાં જ એવી અનેક ઘટનાઓ બની છે જ્યાં લોકોને રાષ્ટ્રવિરોધી ગણાવાયા છે, કારણ કે તેઓ સરકારથી અસહમત હતા. જો કોઈ પક્ષને ૫૧ ટકા મત મળે તો શું એનો મતલબ એ છે કે અન્ય ૪૯ ટકાને ૫ વર્ષ સુધી બોલવુ ન જોઈએ. લોકતંત્રમા દરેક નાગરીકની ભૂમિકા હોય છે. સરકાર હંમેશા સાચી નથી હોતી.

(10:07 am IST)