Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

દેશવાસી સંકલ્પ કરશે તો વિશ્વમાં ભારતનો ડંકો રહેશે : નરેન્દ્ર મોદી

સુરત નાઇટ મેરેથોન વેળા મોદીનું જુસ્સા સાથે આક્રમક સંબોધન : ૩૧મી ઓક્ટોબરે રન ફોર યુનિટી અને ૨૧મી જૂને યોગા દિવસમાં મોટાપાયે ભાગ લેવા લોકોને સુચનઃ ન્યુ ઇન્ડિયા જાતિવાદથી મુક્ત રહે તે જરૂરી : મોદી

સુરત, તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતમાં મોડી સાંજે પહોંચ્યા હતા. સુરત નાઇટ મેરેથોનને લીલીઝંડી આપતા પહેલા મોદીએ ઉપસ્થિત રહેલા મોટી સંખ્યામાં લોકોને સંબોધન પણ કર્યું હતું. મોદીએ પોતાના જુસ્સેદાર સંબોધનમાં કહ્યું હતું કે, જો તમામ ભારતવાસી સાથે મળીને સંકલ્પ કરી લેશે તો વિશ્વમાં ભારતનો ડંકો વાગશે. મોદીએ આ પ્રસંગે ન્યુ ઇન્ડિયા કેવું રહેશે તેને લઇને પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ન્યુ ઇન્ડિયા જાતિવાદથી મુક્ત રહે, ભ્રષ્ટાચારથી મુક્ત રહે, ગરીબીથી મુક્ત રહે તે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, નવા ભારતમાં તમામ યુવાનો પોતાના સપનાને પૂર્ણ કરવા આગળ આવી શકે તેનું નિર્માણ કરવામાં આવશે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હોળી પર્વ આડે હજુ કેટલાક દિવસો રહેલા છે પરંતુ સુરતના લોકોએ રોશનીના રંગ સાથે હોળીની ઉજવણી પહેલાથી જ કરી લીધી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબરના દિવસે સરદાર પટેલની જન્મજ્યંતિના પ્રસંગે રન ફોર યુનિટીનું આયોજન દેશમાં કરવામાં આવનાર છે. સુરત રન ફોર યુનિટીમાં પણ નવા રેકોર્ડ સર્જે તેમ અમે ઇચ્છીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, સુરતના લોકો જે નક્કી કરી લે છે તે કામ કરી બતાવે છે. સુરતના લોકોની આ વિશેષતા રહેલી છે. મોદીએ સરદાર પટેલની જન્મજ્યંતિના દિવસે મોટાપાયે રન ફોર યુનિટીમાં ભાગ લેવા ઉપરાંત ૨૧મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગા દિવસના પ્રસંગે મોટાપાયે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ન્યુ ઇન્ડિયા ગંદગીથી મુક્ત રહે, ગરીબીથી મુક્ત રહે તે જરૂરી છે. દેશ જનતાથી ને છે. શ્રેષ્ઠ આરોગ્ય માટે પણ કસરત અને અન્ય પ્રકારના કાર્યક્રમ ખુબ જરૂરી બની ગયા છે. જો નાગરિકો ફિટ રહેશે તો દેશ ક્યારે પણ અનફિટ થઇ શકે નહીં. ખેલકૂદ, સામૂહિક કાર્યક્રમો યોજવામાં આવે તે જરૂરી છે. આનાથી ખુબ જ જરૂરી શિસ્ત લોકોમાં આવે છે. તમામ લોકોની જવાબદારી ન્યુ ઇન્ડિયાના નિર્માણની રહેલી છે. ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે તમામ યુવાનો આગળ આવે તે જરૂરી છે. સ્વતંત્રતા લડવૈયાઓએ જેવા ભારતની કલ્પના કરી હતી તે માટે તમામ લોકોની જવાબદારી બને છે.

(9:17 pm IST)