Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

જીતેન્દ્ર અને શ્રીદેવીની કેમેસ્ટ્રી તમામ ચાહકમાં લોકપ્રિય થઇ

શ્રીદેવી-જીતેન્દ્રની જોડીએ ૧૬ ફિલ્મો કરી હતી : ૧૬ ફિલ્મો પૈકી ૧૩ ફિલ્મો સુપરહિટ : અમિતાભ અને રાજેશ ખન્ના, રિષી કપૂર સાથે પણ લોકપ્રિય ફિલ્મો કરી

મુંબઇ,તા. ૨૫ : શ્રીદેવી બોલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ શરૂઆતના વર્ષોમાં સફળતા મેળવી શકી ન હતી. પ્રથમ ફિલ્મ રજૂ થયાના પાંચ વર્ષ બાદ એટલે કે ૧૯૮૩માં જીતેન્દ્રની સાથે તેની ફિલ્મ હિંમતવાલા રજૂ થઇ હતી અને આ ફિલ્મ સાથે બોલીવુડમાં અને દેશમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી ગઈ હતી. આની સાથે જ તે બોલીવુડની સૌથી વધુ નાણા મેળવતી અભિનેત્રી પણ બની ગઈ હતી. પોતાના ગાળાની સૌથી લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી આવી હતી. તમામ લોકો જાણે છે કે, શ્રીદેવીએ સૌથી સફળ જોડી જીતેન્દ્ર સાથે જમાવી હતી. શ્રીદેવી અને જીતેન્દ્રની કેમેસ્ટ્રી ૧૯૮૩થી લઇને ૧૯૮૮ સુધી લોકોના દિલોદિમાગ ઉપર છવાયેલી રહી હતી. આ જોડીએ ૧૬થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું જે પૈકી ૧૩ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. ત્રણ ફિલ્મો ફ્લોપ રહી હતી. જીતેન્દ્ર અને શ્રીદેવીની જે ફિલ્મો લોકપ્રિયતા જમાવી ગઇ હતી તેમાં હિંમતવાલા, જાની દોસ્ત, જસ્ટિસ ચૌધરી, મવાલી, અકલમંદ, તોહફા, બલિદાન, સુહાગન, ઘર સંસાર, ધર્મ અધિકારી, ઔલાદ, સોને પે સુહાગાનો સમાવેશ થાય છે. તેમની ત્રણ ફિલ્મો ફ્લોપ રહી હતી તેમાં સરફરોઝ, આગ ઔર સોલા, હિંમત ઓર મહેનતનો સમાવેશ થાય છે. જો કે, આ જોડીનો જાદુ અભૂતપૂર્વ રહ્યો હતો. એક જ વર્ષના ગાળામાં એટલે કે ૧૯૮૩માં જ એક સાથે પાંચ ફિલ્મો રજૂ થઇ હતી ગઈ જેમાં હિંમતવાલા ઉપરાંત જાની દોસ્ત, જસ્ટિસ ચૌધરી, મવાલીનો સમાવેશ થાય છે. તોહફા અને હિંમતવાલા ફિલ્મ પોતાના ગાળાની સર્વશ્રેષ્ઠ ફિલ્મો સાબિત થઇ હતી. આ ફિલ્મો જોવા માટે એ ગાળામાં ઉંચી ટિકિટની કિંમતો બોલાઈ હતી. આ ઉપરાંત શ્રીદેવીએ અમિતાભ બચ્ચન સાથે પણ ઇંકલાબ, આખરી રાસ્તા, ખુદા ગવાહનો સમાવેશ થાય છે. શ્રીદેવી સાથે આખરી રાસ્તા ફિલ્મ અમિતાભ બચ્ચને કરી ત્યારે અમિતાભ બચ્ચન પોતે રાજનીતિ અને બોલીવુડ કેરિયર વચ્ચે દુવિધાભરી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. અમિતાભ બચ્ચન રાજનીતિમાં આવે કે પછી ફિલ્મોમાં રહે તેને લઇને મુશ્કેલી હતી પરંતુ શ્રીદેવીની હાજરીથી આ ફિલ્મ પણ અભૂતપૂર્વ સફળતા મેળવી ગઈ હતી. અમિતાભની ખુદાગવાહ ફિલ્મમાં પણ શ્રીદેવીની એક્ટિંગની નોંધ લેવામાં આવી હતી. બોલીવુડના તમામ કલાકારો નક્કરપણે માને છે કે, શ્રીદેવીની સરખામણી બોલીવુડમાં વધારે કરવાની સ્થિતિમાં કોઇ સ્થિતિ નથી. કાકા તરીકે લોકપ્રિય વિતેલા વર્ષોના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે પણ શ્રીદેવીએ જોડી જમાવી હતી. નયા કદમ ૧૯૮૪, મક્સદ ૧૯૮૪, માસ્ટરજી ૧૯૮૫ અને નઝરાના ૧૯૮૭માં નજરે પડી હતી. રિષી કપૂર સાથે શ્રીદેવીએ ચાંદની, નગીના જેવી સુપરહિટ ફિલ્મો કરી હતી.

જીતેન્દ્ર-શ્રીદેવીની ફિલ્મો

ગોરી તેરે અંગ અંગ મેં બિખરે...

*   હિંમતવાલા (૧૯૮૩)

*   જાની દોસ્ત (૧૯૮૩)

*   જસ્ટિસ ચૌધરી (૧૯૮૩)

*   મવાલી (૧૯૮૩)

*   અકલમંદ (૧૯૮૪)

*   તોહફા (૧૯૮૪)

*   બલિદાન (૧૯૮૫)

*   સુહાગન (૧૯૮૬)

*   ઘર સંસાર (૧૯૮૬)

*   ધર્મ અધિકારી (૧૯૮૬)

*   ઔલાદ (૧૯૮૭)

*   સોને પે સુહાગા (૧૯૮૭)

*   સરફરોઝ (૧૯૮૫)

*   આગ ઔર સોલા (૧૯૮૬)

*   હિંમત ઔર મહેનત (૧૯૮૭)

(7:37 pm IST)