Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું હાર્ટએટેકથી એકાએક નિધન

દુબઈમાં લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે હતા ત્યારે પ્રચંડ એટેક : મોહિત મારવાના લગ્નમાં સંગીત અને અન્ય કાર્યક્રમમાં સ્વસ્થ દેખાયા બાદ એટેક : પાર્થિવ શરીરને મુંબઈ લાવવામાં વિલંબ : કરોડો ચાહકોમાં આઘાત

મુંબઈ, તા. ૨૫ : પોતાના શાનદાર અભિનયથી સિનેમા પ્રેમીઓના દિલોદિમાગ ઉપર છવાઇ ગયેલી બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી હવે અમારી વચ્ચે રહી નથી. શ્રીદેવી દુબઈમાં હતી ત્યારે જ હાર્ટએટેકના કારણે તેમનું એકાએક નિધન થતાં કરોડો ચાહકો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. શ્રીદેવી ૫૫ વર્ષની હતી. શ્રીદેવીને હિન્દી ફિલ્મોની પ્રથમ સુપર સ્ટાર તરીકે પણ ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં શ્રીદેવીને પદ્મશ્રી સન્માનથી નવાઝવામાં આવી હતી. શ્રીદેવી બોની કપૂરના ભાણિયા મોહિત મારવાના લગ્નમાં ભાગ લેવા માટે પરિવાર સાથે દુબઈ પહોંચી હતી. ખુબ જ શાનદાર લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન કાર્યક્રમમાં શ્રીદેવી ખુબ ખુબસુરત અને તમામની સાથે નજરે પડી હતી. સંગીત કાર્યક્રમમાં પણ દેખાઈ હતી પરંતુ મોડી રાત્રે શ્રીદેવી પર હાર્ટએટેક થતાં તેમનું અવસાન થયું હતું. તેમના પતિ બોની કપૂરના નાના ભાઈ અને અભિનેતા સંજય કપૂરે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરી હતી. ૧૧.૩૦ વાગે રાત્રે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરવામાં આવી હતી. સંજય કપૂરે એમ પણ કહ્યું છે કે, તેઓ દુબઈમાં જ હતા અને ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે આ અહેવાલ આવ્યા હતા. હકીકતમાં શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશીની સાથે મોહિત મારવાના લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી. શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે મોટી પુત્રી જ્હાનવી પહોંચી શકી ન હતી. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ સૌથી પહેલા સંકેતોમાં શ્રીદેવીના અવસાનની વાત કરી દીધી હતી. બોલીવુડની ચાંદનીના નામથી લોકપ્રિય શ્રીદેવીએ પોતાના કેરિયરની શરૂઆત ૧૯૭૮માં આવેલી સોલવા સાવન ફિલ્મથી કરી હતી પરંતુ બોલીવુડમાં સફળતાનો સ્વાદ પાંચ વર્ષના લાંબાગાલા બાદ આવેલી હિંમતવાલા ફિલ્મથી મળી હતી. ફિલ્મમાં જીતેન્દ્રએ લીડ અભિનેતા તરીકેની ભૂમિકા ભજવી હતી. બાળ કલાકાર તરીકે તમિળ ફિલ્મ કંદન કરુનઈમાં પણ શ્રીદેવી દેખાઈ હતી તે વખતે તેની વય માત્ર ૪ વર્ષની હતી. ૨૦૧૨માં ઇંગ્લીશ વિંગ્લીશ ફિલ્મ મારફતે વાપસી કરી હતી. ગયા વર્ષે મોમ ફિલ્મમાં પણ તેની ભૂમિકાની નોંધ લેવામાં આવી હતી. જે સમયે તે બોલીવુડમાં સક્રિય થઇ રહી હતી ત્યારે દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ પહેલાથી જ સક્રિય હતી. શ્રીદેવીને બોલીવુડમાં પગ જમાવવામાં રેખાએ પુરતી મદદ કરી હતી. પરિવારના તમામ સભ્યો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. મળેલી માહિતી મુજબ શ્રીદેવીના અવસાન બાદ તેના પોસ્ટમોર્ટમ અને અન્ય તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી મોડે સુધી તેના મૃતદેહને ભારત લાવવામાં સફળતા મળી ન હતી. અંતિમ સંસ્કારને લઇને પરિવારમાં ચર્ચા બાદ જ કોઇ નિર્ણય કરવામાં આવનાર છે.

શ્રીદેવીનો જન્મ ૧૩મી ઓગસ્ટ ૧૯૬૩ના દિવસે થયો હતો. શ્રીદેવીને છ ફિલ્મ ફેર શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ મળ્યા હતા. ૧૯૯૦ના દશકમાં સૌથી વધુ જંગી કમાણી કરનાર અભિનેત્રી તરીકે ઉભરી આવી હતી. બાળ કલાકાર તરીકે કેરિયર શરૂ કર્યા બાદ તમિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ પ્રભુત્વ જમાવ્યું હતું. ૧૯૭૯માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનેક વખત ફિલ્મ ફેર માટે નોમિનેટ પણ થઇ હતી.

(7:36 pm IST)