Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

દિલ્હીનો હીરાનો વેપારી OBCનું ૩૯૦ કરોડનું ફુલેકં ફેરવી ફરાર

સીબીઆઇએ દિલ્હી સ્થિત એક જ્વેલરી નિકાસકાર અને બે કંપનીઓના ડિરેક્ટરો સામે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સાથે રૂપિયા ૩૮૯.૮૫ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર કેસ નોંધ્યો

નવી દિલ્હી : સીબીઆઇએ દિલ્હી સ્થિત એક જ્વેલરી નિકાસકાર અને બે કંપનીઓના ડિરેક્ટરો સામે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સાથે રૂપિયા ૩૮૯.૮૫ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર કેસ નોંધ્યો છે. આ જ્વેલરી નિકાસકારે બેન્કના કેટલાક અધિકારીઓ અને કેટલીક છદ્મ નાણાકીય સંસ્થાઓની મદદથી આ છેતરપિંડી આચરી હતી. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે આ છેતરપિંડી અંગે સીબીઆઇને ૬ મહિના પહેલાં ફરિયાદ કરી હતી પરંતુ પીએનબીનું કૌભાડ બહાર આવ્યા પછી સફાળી જાગેલી સીબીઆઇએ હવે કેસ નોંધ્યો છે. ત્યાં સુધી આ છેતરપિંડીનો મુખ્ય આરોપી દ્વારકાદાસ શેઠ ગ્રૂપની કંપનીઓના માલિક સભ્ય શેઠ અને ડિરેક્ટરો એક વર્ષથી દેશ છોડીને ફરાર થઇ ગયા છે.

સીબીઆઇએ ૨૨મી ફેબ્રુઆરીના રોજ દ્વારકાદાસ શેઠ ઇન્ટરનેશનલ, તેની સહયોગી કંપની દ્વારકાદાસ શેઠ સેઝ ઇન્ડિયા ઇન્કોર્પોરેશન, તેના માલિક સભ્ય શેઠ, ડિરેક્ટરો રીતા શેઠ, ક્રિશ્નકુમારસિંહ, રવિકુમારસિંહ અને કેટલાક અજાણ્યા બેન્ક કર્મચારીઓ સામે એફઆઇઆર નોંધી છે. આરોપી કંપનીઓ ૨૦૦૭થી ૨૦૧૨ દરમિયાન ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં ક્રેડિટ ફેસિલિટી ધરાવતી હતી. બેન્કે આરોપ મૂક્યો છે કે સભ્ય શેઠે બેન્કની સાથે છેતરપિંડી કરવાની યોજના બનાવી હતી. આરોપી પાસેથી ખરીદી કરનાર વિદેશી કંપનીઓની વિનંતી વિના જ ટ્રેડ ચાર્ટર્ડ બેન્ક નામની બેન્કે એલઓસી જારી કરી દીધાં હતાં. આરોપી નિકાસકારો દુબઈ બેન્ક, કેન્યા, સોલૈલ ચાર્ટર્ડ બેન્ક, ટ્રેડ ચાર્ટર્ડ બેન્ક, ટીએફ બેન્ક, કોન્ટ્રાક્ટ એન્ડ સેન્ચ્યુરી બેન્ક સહિતની વિવિધ નાણા સંસ્થાઓ દ્વારા સ્થાપિત એલઓસી અંતર્ગત બિલોમાં ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કરતા હતા. આ બેન્કોનું રેટિંગ સાવ નીચલા સ્તરનું હોવાનું ધ્યાનમાં આવ્યા પછી ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સને ધ્યાનમાં આવ્યું ત્યારે બેન્કે ફંડ જારી કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ બેન્કે શોધી કાઢયું હતું કે આરોપીઓએ છેતરપિંડી કરવા માટે કેટલીક શેલ કંપનીઓ ઊભી કરી હતી.

આરોપીઓ સોના અને મૂલ્યવાન સ્ટોનની ખરીદી સામે ટ્રેડ ક્રેડિટર્સને બેન્કના લેટર ઓફ ક્રેડિટ આપતા હતા અને ત્યારબાદ કાલ્પનિક વેપાર વ્યવહારો દ્વારા તેઓ આ સોનું અને નાણાં વિદેશમાં ટ્રાન્સફર કરી દેતાં હતાં. તેનો ઉપયોગ કરીને તેઓ એલઓસીની જવાબદારીઓ ચૂકવતાં હતાં.

પીએનબી કૌભાંડના ૬ મહિના પહેલાં બેન્કે સીબીઆઇ સમક્ષ ફરિયાદ નોંધાવી હોવા છતાં નીંભર અધિકારીઓ સૂતા રહ્યાં

બેન્કે ૧૬ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ સીબીઆઇ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. બેન્કે આરોપ મૂક્યો હતો કે આરોપીઓ છેલ્લા ૧૦ મહિનાથી લાપતા બન્યા છે. તેમ છતાં ઔસીબીઆઇએ આ કેસમાં કોઇ કાર્યવાહી કરી નહોતી. પંજાબ નેશનલ બેન્કનું મહાકૌભાંડ બહાર આવ્યા પછી ઔસીબીઆઇએ આ કેસમાં એફઆઇઆર નોંધી છે. સવાલ એ છે કે, સીબીઆઇ કોના દબાણથી આ કેસમાં તપાસ કરી રહી નહોતી.?

(11:40 am IST)