Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાષ્ટ્રીય સુરક્ષાના ભયે કોઇને અનંતકાળ જેલમાં ના રાખી શકાયઃ સુપ્રીમ કોર્ટ

બાંગ્લાદેશ બોર્ડર પર પશુ તસ્કરીના આરોપીને આપ્યા જામીન

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ બોર્ડર પર પશુ તસ્કરીના કેસમાં આરોપી ઇનામુલને હક્કને જામીન આપતા સુપ્રીમ કોર્ટે સોમવારે મોટી ટીપ્પણી કરી હતી. કોર્ટે 'જેલ પર બેલ' પર ભાર મુકતા કહ્યું કે કોઇ પણ વ્યકિતને અનંતકાળ સુધી જેલમાં ના રાખી શકાય. એ પણ એવા કેસમાં, જેમાં એજન્સીઓ પોતાની તરફથી પુરી તપાસ કરી ચૂકી હોય. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરીને આવા કેસમાં પણ અનંતકાળ સુધી લોકોને જેલમાં ના રાખી શકાય. જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ દિનેશ મહેશ્વરી બેંચે કેસની સુનાવણી કરતા આ ટીપ્પણી કરી હતી.

આ કેસમાં બીએસએફના એક કમાન્ડની પણ ધરપકડ થઇ હતી. આ બંને લોકોના નામ પશુ તસ્કરીના કેસમાં જાહેર થયા હતા. આ ઉપરાંત સ્થાનીક પ્રશાસન અને રાજકીય પક્ષોની મિલીભગત પણ સામે આવી છે. સુપ્રીમમાં ઇનામુલ હકનો પક્ષ રાખતા સીનીયર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે સીબીઆઇએ પશુ તસ્કરીના કેસમાં ૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના ચાર્જશીટ દાખલ કરી હતી એટલું જ નહીં ગયા વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ પુરક ચાર્જશીટ દાખલ કરી હતી ત્યાર પછી બીએસએફના કમાન્ડર સહિત અન્ય બધા આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા પણ કોલકતા હાઇકોર્ટે હકને જામીન નહોતા આપ્યા.

તેમણે કહ્યું કે આ કેસમાં મહત્તમ ૭ વર્ષની જેલની સજા થઇ શકે છે. આવા કેસમાં પણ ૧ વર્ષથી વધારે સમય સુધી જામીન ના આપવા તે યોગ્ય નથી. સીબીઆઇના વકીલે કહ્યું કે ઇનામુલ હક પશુ તસ્કરીનો લીડર છે. આમાં બીએસએફના લોકો, કસ્ટમ અધિકારીઓ, લોકલ પોલીસ સહિત અન્ય લોકોની પણ ભાગીદારી છે. તેમણે કહ્યું કે હક બુક આઉટ નોટીસ પર પણ સામે નહોતો આવ્યો. તે બાંગ્લાદેશના માર્ગે જમીન રૂટથી બંગાળ પહોંચ્યો હતો જે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જોખમ થઇ શકે છે. આ કેસમાં મોટા ષડયંત્રની શંકા છે અને તપાસ ચાલુ રહી છે.

તો આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે જયારે અન્ય આરોપીઓને જામીન અપાઇ ચૂકયા છે ત્યારે ફકત એક જ શખ્સને જેલમાં રાખીને કોઇ મોટા ષડયંત્રની તપાસ કેવી રીતે થઇ શકે. અત્યાર સુધીમાં આ શખ્સ એક વર્ષ અને બે મહીના જેલમાં રહી ચૂકયો છે. શું તપાસ માટે આટલો સમય પુરતો નથી.

(3:18 pm IST)