Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ભારતમાં ૬ ફેબ્રુઆરીએ આવી શકે છે ત્રીજી લહેરનું પીક

આઇઆઇટીના સ્ટડીમાં વધુ એક રાહતના સમાચાર

નવી દિલ્હી તા. ૨૫ : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ત્રણ લાખ છ હજાર આસપાસ નવા કેસ આવ્યા છે. જ્યારે રવિવારે કોરોનાના ૩ લાખ ૩૩ હજાર કેસ આવ્યા હતા. મોટાભાગના વિશ્લેષકોનું માનવું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર આવી ચુકી છે. પણ આ બધા વચ્ચે આઇઆઇટી મદ્રાસથી પણ એક રાહતના સમાચાર આવ્યા છે. આઇઆઇટી મદ્રાસના વિશ્લેષકો અનુસાર સતત બીજા અઠવાડિયે ભારતની આર-વેલ્યુમાં ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાનો દર દર્શાવતી આર-વેલ્યુ ભારતમાં ૧૪ થી ૨૧ જાન્યુઆરી વચ્ચે વધુ ઘટીને ૧.૫૭ થઇ ગઇ છે.

રિસર્ચરોના વિશ્લેષણ અનુસાર આગામી ૧૪ દિવસોમાં ૬ ફેબ્રુઆરી સુધીમાં કોરોના સંક્રમણના કેસોમાં પીક આવવાની શકયતા છે. આ પહેલા અનુમાન કરાયું હતું કે, ૧ થી ૧૫ ફેબ્રુઆરી વચ્ચે ત્રીજી લહેરનું પીક આવશે.

એક વ્યકિત કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે તે દર્શાવતી સંખ્યાને આર-વેલ્યુ કહે છે. જો કોઇ વ્યકિતની આર વેલ્યુ એક હોય તો તેના દ્વારા વધુ એક વ્યકિતને સંક્રમિત કરવાનું જોખમ છે. આવી જ રીતે જો કોઇ વ્યકિતની આર-વેલ્યુ ૩ હોય તો તે ત્રણ લોકોને સંક્રમિત કરી શકે છે. આઇઆઇટી મદ્રાસના વિશ્લેષણ અનુસાર ૧૪ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી વચ્ચે આર-વેલ્યુ ૧.૫૭ નોંધાઇ હતી, જે ૭ થી ૧૩ જાન્યુઆરી વચ્ચે ૨.૨ અને એકથી છ જાન્યુઆરી વચ્ચે ૪ અને ૨૫ થી ૩૧ ડીસેમ્બર વચ્ચે ૨.૯ હતી.

આ વિશ્લેષણ આઇઆઇટી મદ્રાસના ગણિત વિભાગ અને સેન્ટર ઓફ એકસેલન્સ ફોર કોમ્પ્યુટેશનલ મેથેમેટીકસ અને ડેટા સાયન્સે કોમ્પ્યુટેશન મોડેલીંગ દ્વારા પ્રોફેસર નીલેશ ઉપાધ્યાય અને પ્રોફેસર એસ સુંદરની અધ્યક્ષતામાં કરાયું હતું. આંકડાઓ અનુસાર મુંબઇની આર-વેલ્યુ ૦.૬૭, દિલ્હીની ૦.૯૮, ચેન્નાઇની ૧.૨ અને કોલકત્તાની ૦.૫૬ હતી.

આઇઆઇટી મદ્રાસના ગણીત વિભાગના સહાયક પ્રોફેસર ડો. જયંત ઝા એ જણાવ્યું કે, મુંબઇ અને કોલકત્તાની આર વેલ્યુથી ખબર પડે છે કે ત્યાં મહામારીનું પીક આવી ગયું છે. જ્યારે દિલ્હી અને ચેન્નઇમાં હજુ તે એકની આસપાસ છે. તેમણે પીટીઆઇને કહ્યું કે, આનું કારણ એ હોઇ શકે છે કે આઇસીએમઆરના નવા દિશાનિર્દેશો અનુસાર સંક્રમિતોના સંપર્કમાં આવેલ લોકોની ભાળ મેળવવાની જરૂરીયાતને હટાવી દેવાઇ છે અને એટલે પહેલાની સરખામણીમાં ઓછા કેસ આવી રહ્યા છે.

(12:59 pm IST)