Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કર્ણાટકમાં ૧૦ વર્ષથી નાના કોરોના સંક્રમિત બાળકોની સંખ્યામાં વધારો

બાળકોને રસી નથી મળી માટે સાચવવું જરૂરી એકસપર્ટે

બેંગ્લુરુ, તા.૨૫: કોરોના વાયરસના દૈનિક કેસમાં દ્યટાડો થયો છે આમ છતાં ત્રીજી લહેર અંગે દ્યણી શંકા અને અટકળો લગાવવામાં આવી રહી છે. આવામાં ત્રીજી લહેર જેમણે રસી નથી લીધી અને જેઓ ગંભીર બીમારી ધરાવે છે તેમના માટે ખતરનાક સાબિત થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આવામાં કર્ણાટકમાં ૧૦ વર્ષથી નાના બાળકોના સંક્રમણ કેસમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય બન્યો છે.

પાછલા ૬ મહિનામાં રાજયમાં ૭,૨૪૬ એવા દર્દીઓ છે કે જેમની ઉંમર ૧૦ વર્ષથી ઓછી છે. જયારે કોવિડ વોર રૂમના આંકડા જણાવે છે કે જાન્યુઆરી પૂર્ણ થવામાં હજુ અઠવાડિયાનો સમય બાકી છે અને અહીં ૧ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન ૧૨,૮૭૬ બાળકો સંક્રમિત થયા છે. એટલે રોજના ૫૮૫ જેટલા સરેરાશ બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. ૧૬ જાન્યુઆરી સુધીમાં રાજયમાં સરેરાશ બાળકોના ૩૫૦ કેસ નોંધાતા હતા, જે પછી વધુ ૫,૭૨૬ કેસ ઉમેરાયા છે, જેમાં પાછલા અઠવાડિયામાં વધુ ૭,૧૫૦ કેસ ઉમેરાયા છે. આ પહેલા ડિસેમ્બરમાં આ કેટેગરીમાં માત્ર ૩૩૨ કેસ નોંધાયા હતા.

પાછલા વર્ષે આ ઉંમરના બાળકોના કેસની સંખ્યા ૧૦,૦૦૦ રહેતી હતી જયારે આ વખતે ૨૦,૦૦૦ કેસ નોંધાઈ રહ્યા છે. મેના અંત સુધીમાં ૧૦ વર્ષથી નાના કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૭૭,૦૦૦ હતી જે ડિસેમ્બરના અંત સુધીમાં વધીને ૯૪,૩૪૦ થઈ ગઈ હતી. આ પછી ૧૬ જાન્યુઆરી સુધીમાં આ આંકડો ૧ લાખ પર પહોંચી ગયો અને હાલ તે ૧.૧ લાખ પર છે.

રાજયના શિક્ષણમંત્રીએ આ અંગે માતા પિતા અને બાળકોના સગા તરફ આંગળી ચીંધીને જણાવ્યું છે કે, મોટાભાગના બાળકો તેમના માતા-પિતા અને સગાના કારણે સંક્રમિત થઈ રહ્યા છે.

ઉંમર પ્રમાણે વિસ્તૃત એનાલિસિસ જણાવે છે કે ૦-૯ વર્ષ સુધીની ઉંમરના સંક્રમિત બાળકોનો આંકડો ૨૨ જાન્યુઆરી સુધીમાં ૧ લાખ કરતા વધુ છે. જયારે ત્રણ લાખથી વધારે દર્દીઓની ઉંમર ૧૦ થી ૧૯ વર્ષની છે.

આ સિવાય જેમની ઉંમર ૩૦ થી ૩૯ના વચ્ચે છે તેઓનો સંક્રમિત આંકડો ૭.૯ લાખ થઈ ગયો છે, જે પાછલા અઠવાડિયે ૭.૩ લાખ હતો. જયારે ૨૦-૨૯ વર્ષની કેટેગરીના દર્દીઓની સંખ્યા ૭.૬ લાખ છે. ૪૦-૪૯ વર્ષની ઉંમરની કેટેગરીના દર્દીઓની સંખ્યા ૫.૯ લાખ છે. આ સિવાયના તમામની ઉંમર ૫૦ થી વધુ છે, જેમાં ૨૪૬ દર્દીઓ એવા છે કે જેમની ઉંમર ૧૦૦ થી વધુ છે.

(12:59 pm IST)