Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પત્નીએ જાણ કર્યા વગર ખરીદ્યો સ્માર્ટ ફોનઃ પતિએ આપી પત્નીની હત્યાની સોપારી

હત્યારા અને તેના પતિની ધરપકડ કરવામાં આવી છે

કોલકત્તા તા. ૨૫ : પતિ-પત્ની વચ્ચે એક યા બીજી વાતને લઈ અવારનાવર કજિયાઓ થતા રહે છે. ત્યારે આજના આધુનિક યુગમાં હવે ઝઘડાનું કારણ મોબાઈલ ફોન પણ બની શકે છે. આ ઘટના તમને થોડી ચોંકાવી શકે છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં એક સ્માર્ટફોન દંપતી વચ્ચે ઝઘડાનું એટલું મોટું કારણ બની ગયો કે પતિએ પત્નીને મારવા માટે ભાડા પર હત્યારાઓને બોલાવી લીધા અને પત્નીને મારવાનો કોન્ટ્રાકટ પણ આપી દીધો હતો.

ખરેખરમાં આ ઘટના પશ્ચિમ બંગાળના કોલકાતામાં બની છે. કોલકાતાની બહાર સ્થિત નરેન્દ્રપુર વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય વ્યકિતએ તેની પત્નીથી એટલા માટે નારાજ થઇ ગયો કે તેની પત્નીએ તેની પરવાનગી વિના પોતાના માટે સ્માર્ટફોન ખરીદ્યો હતો. જો કે આ સમગ્ર ઘટના બાદ હત્યારા અને તેના પતિની ધરપકડ કરવામાં આવી છે.

ઘટના અનુસાર કોલકાતાના નરેન્દ્રપુરમાં ૪૦ વર્ષીય વ્યકિત તેની પત્ની સાથે રહેતો હતો. પોલીસે જણાવ્યું કે તેની ઇજાગ્રસ્ત પત્નીએ માહિતી આપી છે કે તેને થોડા મહિના પહેલા તેના પતિને તેના માટે નવો સ્માર્ટફોન ખરીદવા કહ્યું હતું. પરંતુ તેના પતિએ તેને નવો સ્માર્ટફોન ખરીદવાની ના પાડી હતી. જેના પછી તેની પત્નીને થોડું ખરાબ લાગ્યું. પરંતુ મહિલા પણ ટયૂશન કરાવતી હતી, જેથી તેની પાસે પણ આવકનો  સ્ત્રોત હતો.

માટે તેને આ આવકથી જ પતિને પૂછ્ય વિના નવો સ્માર્ટફોન ખરીદી લીધો. અને તેનો નવો સ્માર્ટફોન ૧ જાન્યુઆરીના રોજ તેના ઘરે ડિલિવર પણ થઇ ગયો. નવો સ્માર્ટફોન આવવાથી તે ખુશ થઇ ગઇ પરતુ જયારે તેન પતિને વિશે જાણ થઇ તો તે ગુસ્સામાં રાતોપીળો થઇ ગયો અને પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી.

પોલીસે જણાવ્યું કે ગુરુવારે રાત્રે તેનો પતિ ઓરડાના મુખ્ય દરવાજાને તાળું મારીને રાત્રે બહાર ગયો હતો. પરંતુ તે પરત ફર્યો ન હતો. જેના પછી પત્નીને શંકા ગઈ અને તે તેના પતિને શોધવા નીકળી. ત્યારબાદ હત્યારાઓએ તેના પર હુમલો કર્યો હતો.

એક હત્યારાએ મહિલાના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને તેનું ગળું ચીરાઇ ગયું હતું અને ત્યાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. જોકે મહિલાએ બૂમો પાડીને આસપાસના લોકોને બોલાવ્યા હતા અને લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. લોકોએ આરોપી પતિ અને ભાડાના હત્યારાને પકડી પાડ્યા હતા. ત્યાં જ પોલીસ હજુ પણ અન્ય ફરાર હુમલાખોરને શોધી રહી છે જે હાલમાં ફરાર છે.

(10:17 am IST)