Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ખોટી ITC લીધાની આશંકાના કિસ્સામાં હવે વેપારી પાસે ખરીદીના બિલ મંગાવાશે

બોગસ બિલિંગ અટકાવવા માટે જીએસટી દ્વારા શરૂ કરાયેલો વધુ એક પ્રયોગ

મુંબઇ,તા.૨૫ : બોગસ બિલિંગના નેટવર્કને ભેદી નહીં શકવાના કારણે દર થોડા દિવસે અધિકારીઓ દ્વારા નવા નવા પ્રયોગ કરવામાં આવતા હોય છે. તેના ભાગરૂપે હવે ખોટી રીતે આઇટીસી (ઇનપુટ ટેકસ ક્રેડિટ) લીધી હોવાની આશંકા હશે તો વેપારીએ ખરીદી કરેલી વસ્તુનું બિલ પણ મંગાવશે.

વેપારી દ્વારા કોઇ પણ ખરીદી કરવામાં આવ્યા બાદ તે પેટે જીએસટી ચુકવી દેવામાં આવતો હોય છે. પરંતુ બોગસ બિલિંગ કરનારાઓ આવા બિલ તો આપી દેતા હોય છે. પરંતુ જીએસટી ભરપાઇ કરતા નથી. જેથી સામેવાળો વેપારીએ ચુકવેલા જીએસટી પેટે આઇટીસી લઇ લેતા હોય છે. જ્યારે સરકારને એક પણ રૂપિયાની આવક થઇ નહીં હોવા છતા આઇટીસીની ચુકવણી કરીને આવક ગુમાવવાની નોબત સર્જાતી હોય છે. તેના કારણે  હવે જીએસટી અધિકારીઓ દ્વારા ખોટી રીતે આઇટીસી લીધી હોવાની આશંકા પણ હશે તો વેપારી પાસે તેના દ્વારા લેવામાં આવેલી આઇટીસીની વિગતો રજુ કરવા માટે તાકીદ કરવામાં આવે તેવી વિગતો જાણવા મળી છે. આ અંગે ટેકસ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યુ હતુ કે જીએસટીઆર રએમાં દેખાતી હોય તેા કરતા વધુ આઇટીસી લીધી હશે તેવા કિસ્સામાં બિલ મંગાવીને તપાસ કરવામાં આવી શકે છે.

પોર્ટલ પર તમામ વિગત છતાં વેપારીઓ પાસે મંગાવતા રોષ

જીએસટી પોર્ટલ પર વેપારીઓ લીધેલી આઇટીસી સહિતની જાણકારી પહેલેથી જ ઉપલબ્ધ હોય છે. તેમજ બોગલ બિલિંગ કરનારાઓએ ટેકસ ભરપાઇ કર્યો છે કે નહીં તેની પણ જાણકારી અધિકારીઓને સરળતાથી મળી રહેતી હોવા છતાં વેપારીઓ પાસેથી બિલ મંગાવીને પરેશાન કરવામાં આવે તેવી પણ શકયતા ઉભી થઇ છે. આને લીધે વેપારીઓમાં રોષ ઉભો થઇ રહ્યો છે.

(10:13 am IST)