Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

રાજ્યપાલ પાસે કંગના માટે સમય ખેડૂતો માટે નથીઃ શરદ પવાર

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું આંદોલન શરૂ થયું : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત અન્ય મહારાષ્ટ્રના નેતા પણ આ કાર્યક્રમમાં સામેલ થયા

અમદાવાદ, તા. ૨૫ : કૃષિ કાનૂનો સામે દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહેલાં ખેડૂતોનું આંદોલન હવે સમગ્ર દેશમાં ફેલાતું જઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું આંદોલન આઝાદ મેદાનમાં શરૂ થયું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત અન્ય મહારાષ્ટ્રના નેતા પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ખેડૂતો વચ્ચે પહોંચેલા શરદ પવારે પીએમ નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પર પ્રહાર કર્યાં હતા.

એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે, આજે દેશભરમાં શાંતિપૂર્ણ રીતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. શરદ પવારે કહ્યું કે રાજ્યપાલની પાસે કંગના રનૌતને મળવાનો સમય છે. પણ આંદોલન કરી રહેલાં ખેડૂતોને મળવાનો સમય નથી. મહારાષ્ટ્રે આવા ગવર્નર ક્યારેય જોયા નથી. આ ગવર્નરની નૈતિક જવાબદારી બને છે કે તે અહીં આવે અને તમને મળે.

આ ઉપરાંત શરદ પવારે પીએમ નરેન્દ્ર મોદી ઉપર પણ નિશાન સાધ્યું હતું. અને કહ્યું કે, આ ઠંડીના મોસમમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લા ૬૦ દિવસોથી આંદોલન કરી રહ્યા છે. શું વડા પ્રધાને આ અંગે જાણકારી લીધી? શું આ ખેડૂતો પાકિસ્તાનના રહેવાસી છે?

શરદ પવારે કહ્યું કે, કેન્દ્રએ વગર કોઈ ચર્ચાએ કૃષિ કાનૂનોને પાસ કરી દીધા, જે સંવિધાનની સાથે મજાક છે. જો ફક્ત બહુમતના આધાર પર કાનૂન પાસ કરશો તો ખેડ઼ૂત તમને ખતમ કરી દેશે. આ ફક્ત શરૂઆત છે. મહારાષ્ટ્રમાં ક્યારેય એવો રાજ્યપાલ આવ્યા નથી, જેઓની પાસે ખેડૂતોને મળવા માટેનો સમય ન હોય.

(7:38 pm IST)