Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ટ્રેક્ટર રેલીમાં સામેલ થવા અન્ય રાજ્યોના ખેડૂતો પણ દિલ્હી ભણી

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજવા ખેડૂતો મક્કમ, માહોલ ગરમ : પોલીસે ટ્રેક્ટર રેલી માટે ૧૭૦ કિલોમીટરનો માર્ગ આપ્યોઃ દિલ્હીમાં પોલીસ અને સીઆરપીએફ એલર્ટઃ આગરામાં ૧૦૦ વધુ ખેડૂત આગેવાનો નજરકેદ

નવી  દિલ્હી, તા. ૨૫ : પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલીમાં સામેલ થવા માટે કેટલાક રાજ્યોના ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યાં છે. પરેડ ત્રણ જગ્યાઓથી શરૂ થશે, જેમાં સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડરનો સમાવેશ થાય છે. પોલીસે ટ્રેક્ટર રેલી માટે ત્રણ રૂટ પર લગભગ ૧૭૦ કિલોમીટરનો માર્ગ આપ્યો છે. દિલ્હી પોલીસ સાથે સીએપીએફને પણ એલર્ટ પર રહેવા માટે કહેવાયું છે.

આ ટ્રેક્ટર રેલીમાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો સામેલ થશે. દિલ્હીમાં આંદોલન કરી રહેલાં ખેડૂતોમાં સૌથી વધુ પંજાબ અને હરિયાણાના ખેડૂતો સામેલ છે. ટ્રેક્ટર રેલીમાં સામેલ થવા માટે હજુ હજારો ખેડૂતો ત્યાંથી આવી રહ્યાં છે. ટ્રેક્ટર પર તિરંગો લગાવી, ડીજે પર ગીતો વગાડતાં તેઓ દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે.

ખેડૂત નેતા સુખદેવ સિંહ કોકરી અનુસાર, ખનૈરી અને ડબવાલી બોર્ડર માટે લગભગ ૨૦ હજાર ટ્રેક્ટર નીકળી ચૂક્યાં છે. બન્ને રાજ્યોથી દિલ્હી આવી રહેલાં હાઇવે પર ટ્રેક્ટર્સની લાંબી લાઇન જોઇ શકાય છે. જ્યારે યુપી અને દિલ્હી વચ્ચે સ્થિત ગાજીપુર બોર્ડર પર પણ ટ્રેક્ટર લઇને ખેડૂતો પહોંચી રહ્યાં છે. અહીં ઉત્તરાખંડ અને યુપીથી આવેલા ખેડૂતો ભેગા થઇ રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત અનુસાર, આ બન્ને રાજ્યોમાંથી લગભગ ૨૫ હજાર ટ્રેક્ટર રેલીમાં ભાગ લેશે.

સાથે જ ખેડૂતોને દિલ્હી આવતાં રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકાર કડકાઇ કરી રહી છે. આગરામાં લગભગ ૧૦૦થી વધુ ખેડૂત નેતાઓને કથિત રીતે હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આગરા બોર્ડર પર પોલીસ દ્વારા સખત તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેક્ટર્સને દિલ્હી જતાં રોકવામાં આવી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશ સરકારે પ્રજાસત્તાક દિનની ટ્રેક્ટર પરેડ માટે ખેડૂતોને દિલ્હી જતા અટકાવવા કડકાઈ દર્શાવી છે. આગરા વિસ્તારમાં ૧૦૦થી વધુ ખેડૂત આગેવાનો કથિત રીતે નજરકેદ કરવામાં આવ્યા છે. આગરા બોર્ડર પર પોલીસ વાહનોની સઘન તપાસ કરી રહી છે. તેમજ ટ્રેકટરોને દિલ્હી તરફ જતા અટકાવવામાં આવી રહ્યા છે. ખેડુતોનો આરોપ છે કે વહીવટીતંત્રએ ફ્યુઅલ સ્ટેશનોને સૂચના જારી કરી છે. ટ્રેક્ટરને ડીઝલ ન આપવા જણાવ્યું છે. રવિવારે પોલીસે એતાહમાં અનેક સ્થળે ખેડૂતોને અટકાવ્યા હતા. જેના કારણે આગરા-બરેલી હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક થયો હતો. મથુરામાં ખેડૂતોએ લગભગ ૩૦ મિનિટ સુધી યમુના એક્સપ્રેસ વેને રોકી રાખ્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતાર લાગી હતી.

ચિલ્લા સરહદ પર ભારતીય કિસાન સંઘ (ભાનુ)ના પ્રદેશ અધ્યક્ષ યોગેશ પ્રતાપસિંહે કહ્યું કે અમારા હજારો કાર્યકરો આગરા વિસ્તારથી રવિવારની સાંજ સુધીમાં ચિલ્લા સરહદ પહોંચવાના હતા પરંતુ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા. તેમણે માહિતી આપી કે રાજ્ય સરકારના આદેશથી અમારા વરિષ્ઠ કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે. જે લોકો પોતાના ઘરેથી ટ્રેક્ટરો પર નીકળ્યા છે તેમને પણ રસ્તામાં અટકાવવામાં આવ્યા છે.

યોગેશસિંહે કહ્યું કે અમે યુપી સરકારના આ પ્રકારના વર્તનને સહન નહીં કરીએ. જો અમારા કાર્યકરોને દિલ્હી જવાની મંજૂરી ન આપવામાં આવે તો અમે સીએમ યોગી આદિત્યનાથની સોમવારે નોઇડા મુલાકાત દરમિયાન વિરોધ કરી રસ્તાઓ જામ કરીશું.

ભારતીય કિસાન સંઘ (ટિકૈત)ના જિલ્લા પ્રમુખ રાજવીર લવાણીયાએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓ રવિવારે સવારે ૨૦ ટ્રેક્ટર અને ૨૦૦ ખેડુતો સાથે ગાઝીપુર બોર્ડર પહોંચવાના હતા. પરંતુ તેમને કથિત રીતે તેમના નિવાસસ્થાનની બહાર અટકાવવામાં આવ્યા., પોલીસ આગરાના સેંકડો ખેડુતોને દિલ્હી બોર્ડર પર પહોંચતા અટકાવી શકશે નહીં. જો પોલીસ અમને ટ્રેક્ટર લઈ જવાની મંજૂરી ન આપે, તો અમે ખાનગી વાહનો અથવા બસો દ્વારા જઇશું. લાવાણીયાએ કહ્યું કે આગરાના ખેડુતો ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં પોતાની મજબૂત હાજરી નોંધાવશે. કેન્દ્રને તેના કૃષિ કાયદા પાછા લેવા પડશે અને એમએસપીની બાંયધરી આપવી પડશે.

(7:37 pm IST)