Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

દિલ્હીમાં ફેબ્રુઆરી 2020 માં થયેલા તોફાનો હિન્દૂ વિરોધી નહોતા : તમામ કોમને અસર થઇ હતી : પ્રેસ અને મીડિયાની ફરજ છે કે તે તેના વાચકો અને દર્શકોને સાચી હકીકતથી વાકેફગાર કરે : દિલ્હી કોર્ટનું તારણ

ન્યુદિલ્હી : તાજેતરમાં દિલ્હી કોર્ટએ કરેલા તારણ મુજબ જે રીતે  ફેબ્રુઆરી 2020 માં દિલ્હીમાં થયેલા તોફાનોને હિન્દૂ વિરોધી તોફાનો તરીકે મીડિયામાં ચમકાવાયા હતા તે બાબત યોગ્ય નથી.હકીકતે તમામ કોમને આ તોફાનોની અસર થઇ હતી.

નામદાર કોર્ટે કરેલા તારણ મુજબ એક સમાચારમાં, સમાચારની શરૂઆત રેડિકલ ઇસ્લામવાદી અને ' હિંદુ વિરોધી  દિલ્હી રમખાણોનો આરોપી ઉમર ખાલિદ .... ' સાથે થાય છે. ઉપરોક્ત સમાચારમાં આખા દિલ્હીના રમખાણોને હિન્દુ-વિરોધી તોફાનો તરીકે દર્શાવવામાં આવ્યા છે. હકીકતે  આ દંગાના પરિણામો તમામ સમુદાયોએ અનુભવ્યા હોવાથી તેને તોફાનો હિન્દૂ વિરોધી ગણી શકાય નહીં. તેવું મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, દિનેશ શર્માએ જણાવ્યું હતું .

કોર્ટે એમ પણ કહ્યું હતું કે મીડિયાએ  ઉમર ખાલિદની કબૂલાત અંગે પોલીસ સમક્ષ વ્યાપકપણે અહેવાલ આપ્યો હતો, તેમ છતાં મીડિયા પત્રો  દ્વારા આવી કબૂલાત અસ્વીકાર્ય છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે  પ્રેસ અને મીડિયાની  ફરજ છે કે તે તેના દર્શકો / વાચકોને જાણ કરે અને શિક્ષિત કરે કે આવા કોઈ નિવેદન,  કાયદાકીય પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાય નહીં.

 ઉમર ખાલિદની અરજી પર કાર્યવાહી કરતી વખતે અદાલતે નોંધ્યું હતું કે  દિલ્હીના રમખાણોના કેસમાં આરોપપત્રની નકલ પુરી પાડવામાં આવે તે પહેલાં જ તે મીડિયા સમક્ષ લિક થઈ હતી.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, શ્રી દિનેશ શર્માએ જણાવ્યું હતું કે બંધારણની કલમ 21 હેઠળ વ્યક્તિની પ્રતિષ્ઠા એ એક મૂલ્યવાન સંપત્તિ અને તેના માન-સન્માનના હકનું પાસું છે.

કોઈ પણ સમાચાર મીડિયાએ  તેના વાચકો / દર્શકોને સ્પષ્ટતા કરી હોય તેવું લાગતું નથી કે આવા નિવેદન,  પુરાવા તરીકે તેનો ઉપયોગમાં લઇ શકાતા નથી.  પત્રકારને કાયદા વિશે આવું મૂળભૂત જ્ઞાન  હોવું જોઈએ કારણ કે વાચકો / દર્શકો તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર વસ્તુને સાચું માને છે. આગળ,  જણાવ્યા મુજબ સામાન્ય લોકો કાયદા વિશે જાગૃત નહીં હોય. તેથી, પ્રેસ અને મીડિયાની ફરજ છે કે તે તેના વાચકોને અને દર્શકોને ન્યૂઝ ચેનલ પર પ્રકાશિત અથવા બતાવેલ સમાચારની સંબંધિત તથ્યો અને સંજોગો વિશે માહિતગાર અને શિક્ષિત કરે, તેવું નામદાર કોર્ટે કોર્ટે કહ્યું હતું.

મીડિયાના કોઈપણ સમાચાર કે જે  આરોપીની   પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે તે બાબત  ભારતીય બંધારણ હેઠળ આપવામાં આવેલી  બાંયધરી તથા વ્યક્તિના અધિકારો પર વિપરીત અસર કરે છે. તેથી, કોઈપણ સમાચાર  તમામ તથ્યોની ચકાસણી અને સ્પષ્ટતા કર્યા પછી પ્રકાશિત થવા જોઈએ.
 
ખાલીદની ફરિયાદ હતી કે વિવિધ પ્રિન્ટ અને ટેલિવિઝન મીડિયા ગૃહોએ એવા ન્યૂઝ પ્રસારિત કર્યા હતા કે તેણે ફેબ્રુઆરી 2020 માં ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણો માટે પોતે કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ્યું હતું, જેમાં બાળકો અને મહિલાઓને ચક્કા જામ માટે સામેલ કર્યા હતા.જેની સામે ખાલિદે જણાવ્યું હતું કે તેણે ક્યારેય કોઈ પોલીસ અધિકારી કે અન્ય કોઈ સત્તાધારીઓ  સમક્ષ કબૂલાત કરી નથી અને આ મીડિયા અહેવાલો તેના ન્યાયી સુનાવણીના અધિકારનું ઉલ્લંઘન છે.તેથી મીડિયા સ્વયંશિસ્તનો આગ્રહ રાખશે તેવી અપેક્ષા છે.સાથોસાથ કોર્ટ કેસ ચાલુ હોય ત્યારે મીડિયાએ કોઈપણ પ્રકારની ટિપ્પણીથી દૂર રહેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આજ સોમવારે જ સુપ્રીમ કોર્ટએ મીડિયા ટ્રાયલની રચના કરવા માટે દાખલ કરેલી એક પિટિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:15 pm IST)