Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મુકેશ અંબાણીની ૧ કલાકની કમાણી જેટલુ કમાતા સામાન્ય મજુરને ૧૦,૦૦૦ વર્ષ લાગે

અંબાણીની ૧ સેકન્ડની કમાણી મજુરની ૩ વર્ષની આવક બરાબર : કોરોનાકાળમાં ભારતના ૧૦૦ શ્રીમંતોની તિજોરીમાં રૂ. ૧૨,૯૭,૮૨૨ કરોડ ઠલવાયા : આટલી સંપત્તિ જો ૧૩.૮ કરોડ ગરીબો - મજુરોને અપાય તો દરેકને ૯૪૦૪૫ રૂપિયા મળે : આવકની અસમાનતામાં જબરો વધારો થયો

નવી દિલ્હી તા. ૨૫ : કોરોના સંકટે વિશ્વમાં આવકની અસમાનતાને વધુ વધારી દીધી છે. માર્ચ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે લોકડાઉન અને અન્ય સમસ્યાઓના કારણે જ્યાં કરોડો લોકો ગરીબ થયા છે. બીજી બાજુ વિશ્વના ટોપ અમીરોની સંપત્તિમાં અંદાજે ૩.૯ ટ્રિલિયન અમેરિકી ડોલરનો વધારો થયો છે.

એક એનજીઓ oxfam એ એક રીપોર્ટમાં આ જાણકારી આપી. આ રીપોર્ટ સ્વીટ્ઝરલેન્ડમાં થઇ રહેલા દાવોસ સમિટ માં રજુ કરવામાં આવશે.

રીપોર્ટના જણાવ્યા મુજબ દશ મહિનામાં ભારતના ટોપ ૧૦૦ અરબપતિઓની સંપત્તિમાં અંદાજે ૧૩ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ રકમ એટલી છે જો અત્યંત ગરીબ લોકોમાં ફાળવણી કરવામાં આવે તો દરેક ગરીબના ખાતામાં અંદાજે ૯૪ હજાર રૂપિયા આવશે.

રીપોર્ટના જણાવ્યા મુજબ ભારતના ૧૦૦ અરબપતિઓની સંપત્તિમાં ૧૦ મહિનામાં ૧૨.૯૮ લાખ કરોડનો વધારો થયો છે. જ્યારે દેશમાં લોકડાઉન પહેલા દશ મહિનામાં જ અંદાજે ૯.૨ કરોડ લોકોની નોકરી ગુમાવી હતી. અસમાનતાનો વાયરસ હેડીંગના આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન ભારતની અરબપતિઓની સંપત્તિમાં અંદાજે ૩૫ ટકાનો વધારો થયો છે. જ્યારે ૮૪ ટકા પરિવારોની આવક ઘટી છે. ફકત એપ્રિલ ૨૦૨૦માં જ દર કલાકે અંદાજે ૧.૭ લાખ લોકોની નોકરી ગઇ છે.

ભારતમાં અસમાનતા એટલી હદે વધી ગઇ છે કે કોઇ અકુશળ કારીગરને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જેટલું કમાવામાં ૧૦ હજાર વર્ષ લાગશે.

એટલું જ નહી પરંતુ વિશ્વના ૧૦ સૌથી વધુ અમીરોની સંપત્તિમાં આ દરમિયાન એટલી હદે વધારો થયો છે કે સમગ્ર વિશ્વના લોકોને કોરોનાને કારણે ગરીબી જવાથી બચાવી શકાય છે. વિશ્વમાં આવકની અસમાનતા ભયંકર રીતે વધી છે જેનાથી તેની અસર, શિક્ષા, સ્વાસ્થ્ય અને એક યોગ્ય જીવન જીવવાનો અધિકારો પર ઉંચી અસર થશે.

અહેવાલ મુજબ વિશ્વના ૧૦૦ સૌથી અમીર લોકોએ તેમના નુકસાનને ૯ મહિનાની અંદર રીકવર કરી લીધું છે પરંતુ વિશ્વના સૌથી ગરીબ લોકોને તેમની સ્થિતિ સુધારવામાં સમય લાગશે.

(4:13 pm IST)