Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

કોરોના-લોકડાઉનથી ગરીબીનાં વિષચક્રમાં ફસાયેલા કરોડો લોકોને તેમાંથી બહાર આવતા વર્ષોના વર્ષો લાગી જશે

મહામારીના દોરમાં અમીર વધુ અમીર બન્યાઃ ગરીબ વધુ ગરીબ બન્યાઃ ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી તા. રપઃ દુનિયાભરના દેશો છેલ્લા નવ મહિનાથી કોરોના મહામારીના સંકટ સામે લડી રહ્યા છે. કોરોનાના કારણે મોટા ભાગના દેશોએ પોતાને ત્યાં લોકડાઉનની જાહેરાત કરવી પડી હતી. લોકડાઉને કેટલાય દેશોની અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતારી દીધી છે. જો કે હવે બધા દેશો પોતાની અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતારી દીધી છે. જો કે હવે બધા દેશો પોતાની અર્થવ્યવસ્થાને સુધારવામાં લાગી ગયા છે. આ બધાની વચ્ચે માનવાધિકાર ગ્રુપ ઓકસફેમે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે કોરોના સંકટ દુનિયામાં અસમાનતા વધારી રહ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોના મહામારીના આ સમયમાં અમીર લોકો વધારે અમીર થઇ રહ્યા છે જયારે આ મહામારીના કારણે ગરીબીના કળણમાં ફસાયેલા અબજો લોકોને તેમાંથી બહાર નીકળવામાં વર્ષો લાગી શકે છે.

''અસમાનતા વાયરસ'' નામના એક રિપોર્ટમાં માનવાધિકાર ગ્રુપ તરફથી જણાવાયું છે કે કોરોના મહામારી બધા દેશોમાં એક સાથે આવી હતી. બધા દેશોમાં તેની ઝડપ સરખી હતી પણ હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે. રિપોર્ટ અનુસાર, દુનિયાના ૧૦૦૦ સૌથી અમીર લોકોએ પોતાના નુકસાનને ૯ મહિનામાં જ સરભર કરી લીધું છે પણ દુનિયાના સૌથી ગરીબ લોકોને પોતાની હાલત સુધારવામાં એક દાયકાથી પણ વધારે સમય લાગશે.

ઓકસફેમે એ તથ્ય પર પણ પ્રકાશ ફેંકયો છે કે વાયરસની અસરને પણ અસમાન રૂપે અનુભવાઇ રહી છે, કેટલાક દેશોમાં જાતીય લઘુમતિઓના મૃત્યુ ઉંચા દરે થઇ રહ્યા છે અને મહિલાઓને મહામારીની ઝપટમાં આવનારી અર્થવ્યવસ્થાના ક્ષેત્રોમાં વધારે મહત્વ અપાઇ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ૩ર વૈજ્ઞાનિક કંપનીઓએ મહામારી દરમ્યાન જે નફો કર્યો છે તેના પર જો અસસ્થાયી ટેક્ષ લગાવવામાં આવે તો ૧૦૪ બીલીયન ડોલર મળી શકે જે દુનિયાભરના ઓછી અને મધ્યમ આવકવાળા લોકો, બેરોજગારો, બુઝુર્ગો અને બાળકોને મદદમાં આવી શકે. ઓકસફ્રેમ ઇન્ટરનેશનલના મેનેજીંગ ડાયરેકટર ગેબ્રીએલા બુચરે કહ્યું કે અમીર અને ગરીબ વચ્ચે ઉંડી ખાઇ વાયરસના રૂપમાં ઘાતક સાબિત થઇ રહી છે તેમણે કહ્યું કે અસમાનતા વિરૂધ્ધમાં ચાલી રહેલી લડાઇ જીતવા માટે આર્થિક પ્રયાસો કરવા પડશે. એક ટેક્ષ સીસ્ટમ દ્વારા અમીર વ્યકિતઓએ પોતાની ભાગીદારી આગળ વધારવી જોઇએ જેથી દુનિયામાં ઝડપથી વધી રહેલી અસમાનતાને દૂર કરી શકાય.

(4:12 pm IST)