Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મીડિયા તથા ટીવી ચેનલો સામેની ફરિયાદોના નિકાલ માટે ' મીડિયા ટ્રિબ્યુનલ ' ની રચના કરો : સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ નિર્માતા તથા સોશિઅલ વર્કર દ્વારા કરાયેલી પિટિશન દાખલ : ભારતનું માહિતી અને પ્રસારણ મંત્રાલય તેની ફરજો બજાવવામાં નિષ્ફ્ળ ગયું છે : મીડિયા બિઝનેસનો ઉપયોગ રાજકારણીઓ તથા સરકારી અધિકારીઓ પોતાના વ્યક્તિગત પ્રચાર માટે કરી રહ્યા છે : નામદાર કોર્ટએ કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો

ન્યુદિલ્હી :   સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ નિર્માતા નિલેશ નવલખા તથા સોશિઅલ વર્કર નીતીશ મેમને દ્વારા પિટિશન કરવામાં આવી છે.જેમાં જણાવાયા મુજબ મીડિયા બિઝનેસનો ઉપયોગ રાજકારણીઓ તથા સરકારી અધિકારીઓ પોતાના વ્યક્તિગત પ્રચાર માટે કરી રહ્યા છે.ભારતનું માહિતી અને પ્રસારણ મંત્રાલય તેની ફરજો બજાવવામાં નિષ્ફ્ળ ગયું છે.આથી મીડિયા તથા  ટીવી ચેનલો સામેની ફરિયાદોના નિકાલ માટે ' મીડિયા ટ્રિબ્યુનલ ' ની રચના કરવી જરૂરી છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ અને કેટલાક પત્રકારોના તેમને માહિતી પ્રદાન કરનારા લોકો સાથેના સબંધો તેમજ ભૂમિકા મીડિયાને તેની સ્વતંત્રતા અને નિર્ણાયક વલણ જાળવવા માટે મુશ્કેલ બનાવે છે, તેવું એડ્વોકેટ પે અમિત, રાજેશ ઇનામદાર અને શાશ્વત આનંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે.

અરજદારોએ એવી રજૂઆત પણ કરી હતી કે આવી ચેનલોનું સ્વ-નિયમન એ જવાબ હોઈ શકે નહીં.આખી સ્વયં-નિયમનકારી પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક મીડિયા બ્રોડકાસ્ટને તેમના પોતાના કેસમાં ન્યાયાધીશ બનાવે છે, કે જ્યાં આપણા બંધારણમાં સમાવિષ્ટ કાયદાના નિયમની સંપૂર્ણ અવગણના થતી જોવા મળે છે.

અરજદારોએ દલીલ કરી હતી કે મીડિયા-વ્યવસાયોનું વાણી સ્વાતંત્ર્ય  અને અભિવ્યક્તિના અધિકાર તથા નાગરિકની માહિતીનો અધિકાર બંને વચ્ચે સંતુલનની જરૂર છે.જે માટે મીડિયા ટ્રિબ્યુનલની રચના જરૂરી છે,

આ તકે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે  પિટિશનર્સનો હેતુ  મીડિયા-વ્યવસાયના મૂળભૂત અધિકારોને અંકુશમાં લાવવાનો  નથી, પરંતુ ફક્ત ખોટી માહિતી, ઉશ્કેરાટવાળા  કવરેજ, બનાવટી સમાચાર, ગોપનીયતાના ભંગ, વગેરે માટે કેટલીક જવાબદારી નક્કી કરાવવાનો છે .
 
પિટિશનને ધ્યાને લઇ ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એ. બોબડે અને ન્યાયાધીશ શ્રી એ.એસ. બોપન્ના તથા  ન્યાયાધીશ શ્રી એ.એસ.
રામસુબ્રમણ્યમની ત્રણ ન્યાયાધીશની  ખંડપીઠે  આ અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(3:07 pm IST)