Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

બુલેટ ટ્રેન : દરિયા નીચે બોગદું બાંધવા ૭ કંપની તૈયાર

૭ કિલોમીટરનો અન્‍ડરગ્રાન્‍ડ કોરિડોર થાણે ખાડીની નીચે હશે. એમાંનો ૧.૮ કિ.મી, લાંબો ભાગ સમુદ્રના તળિયાની નીચે ડેવલપ કરાશે જ્‍યારે બાકીનો ભાગ ખાડીની બાજુના ભાગ નીચે (મેન્‍ગ્રોવ્‍સના કલણવાળા ભાગની નીચે) બાંધવામાં આવશે.

મુંબઈ,તા.૨૫ : વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના-મુંબઈ અને અમદાવાદ વચ્‍ચે હાઈસ્‍પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન યોજના) માટે સમુદ્રની નીચે બોગદું બાંધવા માટે ઓછામાં ઓછી સાત કંપનીઓએ રસ બતાવ્‍યો છે, એમ નેશનલ હાઈ સ્‍પીડ રેલ કોર્પોરેશન કંપનીએ કહ્યું છે. યોજનામાં આ હજી પ્રી-બીડિંગ તબક્કો છે. આ કોન્‍ટ્રાક્‍ટ માટેના ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા છે અને ૨૦૨૧ની ૧૯ ફેબ્રુઆરી સુધીમાં પોતાના બિડ રજૂ કરવા કંપનીઓને જણાવી દેવામાં આવ્‍યું છે.

બુલેટ ટ્રેન યોજનામાં ૨૧ કિ.મી. લાંબો અન્‍ડરગ્રાઉન્‍ડ કોરિડોર હશે, જે મુંબઈના બીકેસી (બાન્‍દ્રા-કુર્લા કોમ્‍પલેક્‍સ)થી થાણે જિલ્લાના કલ્‍યાણ શિલફાટા સુધી હશે. એમાં આશરે ૭ કિલોમીટરનો અન્‍ડરગ્રાન્‍ડ કોરિડોર થાણે ખાડીની નીચે હશે. એમાંનો ૧.૮ કિ.મી, લાંબો ભાગ સમુદ્રના તળિયાની નીચે ડેવલપ કરાશે જ્‍યારે બાકીનો ભાગ ખાડીની બાજુના ભાગ નીચે (મેન્‍ગ્રોવ્‍સના કલણવાળા ભાગની નીચે) બાંધવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રતિ કલાક ૩૫૦ કિ.મી.ની ઝડપે દોડશે, મુંબઈ-અમદાવાદ વચ્‍ચે ૫૦૮ કિ.મી.નું અંતર બે કલાકમાં પૂરું કરશે. રૂ. ૧.૦૮ લાખ કરોડની કિંમતની યોજનાનું ભૂમિપૂજન ૨૦૧૭ની ૧૪ સપ્‍ટેમ્‍બરે વડા પ્રધાન મોદી અને જાપાનના તે વખતના વડા પ્રધાન શિન્‍ઝો એબેએ કર્યું હતું.

 

(10:41 am IST)