Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

શ્રમિક બોર્ડ ધનવાન છતાં ગરીબ મજૂરો મરવા મજબૂર

બિલ્‍ડર્સ પાસે શ્રમિક કલ્‍યાણ સેસ વસૂલ કરાય છે પણ તેનો ઉપયોગ કરવામાં નીરસતા : ૨૫૦૦ કરોડ કરતાં પણ વધુનું ભંડોળ હોવા છતાં શ્રમિકો માટે સવલત નામે શૂન્‍યવકાશ

મુંબઇ,તા.૨૫ : ભામાશા અને દાનવીરોનું શહેર ગણાતા સુરતમાં શ્રમિકોની સ્‍થિતિ દારુણ છે. સુરતને ખૂબસુરત બનાવવામાં પોતાનું લોહી રેડતા શ્રમિકો આવાસના અભાવે રોડની સાઇડે આવેલા ફૂટપાથ ઉપર જીવના જોખમે રહેવા અને સૂવા મજબૂર બન્‍યા છે. જ્‍યાં તેમની ઉપર સતત મોત ઝળુંબી રહ્યું છે. શ્રમિક બોર્ડમાં ૨૫૦૦ કરોડ કરતાં પણ વધુનું ભંડોળ હોવા છતાં પણ શ્રમિકો માટે તેનો ઉપયોગ થતો નથી. શ્રમિકોને ટૂલ્‍સ માટે સહાય આપવાથી લઇને તેમની માટે અન્નપૂર્ણા યોજનાઓ છતાં પણ આ યોજનાઓ ધૂળ ખાઇ રહી છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા ૧૯૯૬માં મકાન બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડની સ્‍થાપના કરવામાં આવી હતી. બોર્ડ બનાવવા પાછળનો હેતુ એ હતો કે શ્રમિકોની સ્‍થિતિ સુધરે, તેઓ આત્‍મનિર્ભર બને અને તેમને ટૂલ સહાયથી લઈને મેડિકલ ટ્રીટમેન્‍ટ અને આવાસ યોજના માટે સબસિડીથી લઇને અકસ્‍માત વીમા કવચ સુધ્‍ધાં આવરી શકાય. ખાસ કરીને કડિયા મજૂરોને ધ્‍યાનમાં રાખી બનાવાયેલા આ બોર્ડમાં બિલ્‍ડર પાસે ફરજિયાત એક ટકા શેષ લેવાનો નિયમ બનાવ્‍યો હતો. બિલ્‍ડર દ્વારા કુલ કન્‍સ્‍ટ્રકશન કોસ્‍ટના એક ટકા શેષ બોર્ડમાં જમા કરાવવો ફરજિયાત છે. તે નહિ ભરવામાં આવે ત્‍યાં સુધી તેમને સ્‍થાનિક તંત્ર દ્વારા રજાચિટ્‍ઠી પણ આપવામાં આવતી નથી. સરકારી બાંધકામો સિવાય મોટે ભાગના બાંધકામમાં બિલ્‍ડર્સ શેષ જમા નહિ કરાવતા હોવાની પણ એક બૂમ છે. જોકે, તેમ છતાં પણ બોર્ડ પાસે ૨૫૦૦ કરોડ ઉપરનું ભંડોળ છે. ૨૦૧૯માં આ આંકડો નોંધાયો હતો. શ્રમિકો રોડ ઉપર સૂઈ રહ્યા હોવા છતાં પણ બોર્ડ શંકાસ્‍પદ રીતે મૂકપ્રેક્ષક બનીને બેઠું છે. આ રકમમાં દર વર્ષે વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ શ્રમિકોને કોઈ ફાયદો થઇ રહ્યો નહિ હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

શહેરમાં બે લાખ શ્રમિકો સામે માત્ર ૩૫ હજારની જ નોંધણી

શહેરમાં બે લાખ જેટલા શ્રમિકો છે. પરંતુ બોર્ડમાં અત્‍યાર સુધી સુરતમાં માત્ર ૩૫ હજાર જ શ્રમિકો નોંધાયા છે. શ્રમિકોની નોંધણી કરવા માટે સુરતના બહુમાળી બિલ્‍ડિંગ ખાતે બોર્ડની ઓફિસ છે અને નોંધાયેલા શ્રમિકોને લાલ કાર્ડ આપવામાં આવે છે. જોકે. તેમને લાભ અપવામાં તંત્ર  સદંતર પાંગળું પુરવાર થયું છે.

આવાસ માટે કાગળ ઉપર માત્ર છ ને જ સબસિડી મળી

શ્રમિકોને જો રાજ્‍ય સરકારના મકાનની ફાળવણી થાય તે સંજોગોમાં સબસિડી ઉપરાંત ૧.૬૭ લાખની વધારાની સબસિડી બોર્ડ દ્વારા આપવામાં આવે છે, પરંતુ સુરતના શ્રમિકોને તેનો કોઇ ખાસ ફાયદો થયો છે. ૨૦૧૯માં માત્ર છ જ કડિયા મજૂરોને આ યોજનાનો લાભ લીધો હતો.

 ૧૦માં ભોજન આપતી અન્નપૂર્ણા યોજના પણ બંધ

ગુજરાત સરકાર રાજ્‍યના શ્રમિકો માટે ૧૦ રૂપિયામાં ભોજનની અન્નપુર્ણા યોજના લાવી હતી. જેમાં ૧૦ રૂપિયા શ્રમિકે આપવાના હતા જ્‍યારે બીજા ૩૦ રૂપિયા બોર્ડ દ્વારા કોન્‍ટ્રાક્‍ટરને ચુકવવામાં આવતા હતા. પરંતુ આ યોજનામાં કૌભાંડના આક્ષેપો થતાં તેનું સુરસુરિયું થઇ ગયું હતું. ઘણા સમયથી આ યોજના અભરાઇએ ચઢી ગઇ છે.

શ્રમિકો નોંધણી કરાવે તે માટે પ્રોત્‍સાહિત કરીએ છીએ

હાલ ૩૫ હજાર શ્રમિકો જ નોંધાયેલા છે. હજુ વધુ શ્રમિકો નોંધણી કરાવે તે જરૂરી છે. બોર્ડ દ્વારા તેમને વિવિધ સહાય આપવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે, તેમની માટે સરકારી મકાનમાં સબસીડીથી લઇને ટુલ્‍સ લેવા માટે આર્થિક સહાય ઉપલબ્‍ધ છે. જોકે સુરતમાં શ્રમિકો તેનો લાભ ઓછો લે છે. વધુને વધુ શ્રમિકો નોંધણી કરાવે તે આવશ્‍યક છે.  - દિનેશ ઉધનાવાળા, જિલ્લા નિરીક્ષક, શ્રમ બોર્ડ

 

(10:39 am IST)