Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

નાગપુરનો નિકરવાળો રાજ્યનું ભાવી નક્કી ન કરી શકે : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના RSS અને મોદી પર પ્રહાર : તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પૂર્વે રાહુલ ગાંધી રાજ્યના ૩ દિવસીય પ્રવાસ પર પહોંચ્યા

ધારાપુરમ, તા. ૨૫ : કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની તામિલનાડુની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. ધારાપુરમમાં રવિવારે આયોજીત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે નરેન્દ્ર મોદીને ભારતના પાયાને નષ્ટ કરવાની મંજૂરી નહીં આપીએ. તે સમજી રહ્યા નથી કે ફક્ત તમિલ લોકો જ તામિલનાડુના ભવિષ્યનો નિર્ણય કરી શકે છે. નાગપુરનો 'નિકરવાળો' ક્યારેય રાજ્યનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં.

નોંધનીય છે કે આગામી ત્રણ મહિનાની અંદર તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાહુલ ગાંધી રાજ્યના ત્રણ દિવસીય પ્રવાસ પર અહીં પહોંચ્યા છે. તેમણે પ્રવાસના બીજા દિવસે રવિવારે રેલી અને રોડ શો કર્યો હતો. અગાઉ તિરુપુરમાં પણ ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ચીનના સૈનિકોએ ભારતીય વિસ્તારો પર કબ્જો કરી લીધો છે અને ૫૬ ઈંચની છાતી ધરાવતો વ્યક્તિ પાડોશી દેશનું નામ પણ લઈ રહ્યો નથી.

અગાઉ ઈરોડમાં સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે મોદી ફક્ત પાંચ કે છ ઉદ્યોગપતિઓ માટે શાસન કરી રહ્યા છે. પશ્ચિમી જિલ્લાઓમાં પ્રચાર અભિયાન પર નીકળેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતો, મજૂરો કે લઘુ-નાના કે મધ્યમ શ્રેણીના ઉદ્યોગ માટે નથી જે લોકો દેશનું ભાગ્ય છે. તેમણે કહ્યું હતું કે, પ્રથમ વખત ભારતના લોકો જોઈ રહ્યા છે કે ચીનની સેના ભારતીય વિસ્તારો પર કબ્જો કરી રહી છે. આજે અમે જ્યાં સુધી વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી હજારો ચીની સૈનિકો આપણા વિસ્તારો પર કબ્જો કરી રહ્યા છે અને ૫૬ ઈંચની છાતી ધરાવતો વ્યક્તિ ચીનનું નામ પણ લઈ શકતા નથી. આ આપણા દેશની હકિકત છે.

(7:41 pm IST)