Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

દિલ્હીની બોર્ડરે ૨થી અઢી લાખ ટ્રેકટરોઃ ૨૦ કિમીની કતાર

કૃષિ કાનુનના વિરોધમાં કાલે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલીઃ પંજાબ-હરિયાણા-યુપી-ઉતરાખંડ-રાજસ્થાનથી ટ્રેકટરો દિલ્હી પહોંચ્યા : કાલે બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે ટ્રેકટર રેલીઃ શાંતિપૂર્વક રેલી યોજવા ખેડૂતોની જાહેરાત

નવી દિલ્હીમ, તા.૨૫: ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેકટર રેલી માટે પંજાબ, હરિયાણા, યુપી, ઉતરાખંડ અને રાજસ્થાનથી ટ્રકટરો આવવાના શરૂ થઇ ચૂકયા છે. ખેડૂતોનું કહેવું છે કે ગણતંત્ર દિવસ પર ટીકરી બોર્ડર પર લગભગ બેથી અઢી લાખ ટ્રેકટરો હશે. કિસાન સંગઠનો પહેલા જ કહી ચૂકયા છે કે ટ્રેકટર રેલી શાંતિપૂર્વક નીકળશે અને ગણતંત્ર દિવસની પરેડ વાળી જગ્યાએ અમે નહીં જઇએ. ટ્રેકટર રેલી દિલ્હીના આઉટર રીંગ પરથી નિકળશે અને તેના લગભગ પાંચ રૂટ હશે. ટ્રેકટર પરેડ દિલ્હીના ગાઝીપુર, સિંધુ અને ટીકરી બોર્ડરથી શરૂ થશે. પ્રદર્શનકારી ખેડૂતો યુનિયનોના મુખ્ય સંગઠન સંયુકત કિસાન મોર્ચાના સીનીયર સભ્ય અભિમન્યુ કોહાડે દાવો કર્યો હતો કે દિલ્હી પોલિસે ખેડૂતોને ગણતંત્ર દિવસ પર રાજધાનીમાં ટ્રેકટર પરેડની પરવાનગી આપી દીધી છે. જો કે દિલ્હી પોલિસના અધિક જનસંપર્ક અધિકારી અનિલ મિત્તલે કહ્યું હતું કે ખેડૂતો સાથેની અમારી વાતચીત અંતિમ તબક્કામાં છે.

ખેડૂતોની ટ્રેકટર રેલીમાં સામેલ થવા માટે ટીકરી બોર્ડરથી પાછળ લગભગ ૨૦ કિમી સુધી ટ્રેકટરોની લાઇન લાગી ગઇ છે. સિંધુથી કુંડલી તરફ પણ કેટલાય કિલોમીટર સુધી વાહનો પહોંચવા લાગ્યા છે. ટ્રેકટરોની ગણત્રી ન હોવાથી બધી બોર્ડરો પરથી રવાના થનાર ટ્રેકટરો માટે લાઇનમાં ચાલવું અને પાછા ફરવામાં કેટલાય કલાકો લાથી જશે. આ દરમ્યાન તે રસ્તાઓ પર અવરજવરમાં મુશ્કેલી ન થાય તે માટે  દર ૧૦૦ મીટરના અંતરે સ્વયંસેવક તૈનાત કરાઇ રહ્યા છે.

એક બોર્ડર પરથી પોતાના રૂટ પર ૧૦૦ કિમીના દાયરા માટેનો રોડ મેપ તૈયાર કરાયો છે. ખેડૂત મોર્ચા તરફથી અપાયેલ સૂચનાઓનું પાલન કરીને આટલા મોટા પાયે પહેલીવાર થનાર રેલીને શાંતિપૂર્ણ અને સુચારૂ બનાવવા માટે સંગઠનો દ્વારા બધા પ્રયત્નો કરાઇ રહ્યા છે. છેલ્લા દિવસો દરમ્યાન ૧૦૦૦ સ્વયંસેવકોને તાલિમ આપવામાં આવી હતી જેમાં તેમને સમજાવાયું હતું કે એક સાથે લાખોની સંખ્યામાં વાહનોને સુનિયોજીત રીતે કેમ વ્યવસ્થિત રાખવા આના માટે પંજાબ અને હરિયાણાની ૨૫-૨૫ ટીમો બનાવાઇ છે. દરેક ટીમમાં ૨૦-૨૦ સભ્યો હશે.

ટીમના સભ્યો વચ્ચે આપસી સંપર્ક જાળવી રાખવા અને બહેતર પ્રબંધન માટે દરેક ટીમ માટે એક એક કો ઓર્ડીનેટર નિયુકત કરાયા છે. કોઇ પણ આપાત સ્થિતી અથવા જરૂ પડયે તત્કાળ વોકી ટોકીથી સંપર્ક કરીને મૂશ્કેલી દૂર કરાશે જેથી પરેડ દરમ્યાન કોઇ તકલીફ ન થાય. કિસાન સોશ્યલ આર્મીના સંસ્થાપક અનૂપસિંહ ચાનૈતે જણાવ્યું કે પરેડમાં સામેલ થનારાઓ સાથે બધા સ્વયંસેવકો સંપર્કમાં રહેશે.

(9:56 am IST)