Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભારત અને બ્રાઝિલની વચ્ચે ૧૫ સમજૂતિ ઉપર હસ્તાક્ષર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રાઝિલના પ્રમુખ બોલ્સોનારા સાથે શિખર બેઠક : પ્રતિનિધિસ્તરની મંત્રણામાં વિદેશમંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ ઉપસ્થિત : સંયુક્ત સંબોધન

નવીદિલ્હી, તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના પ્રમુખ બોલ્સોનારોની વચ્ચે આજે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઇ હતી. મંત્રણામાં વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રાઝિલના પ્રમુખ અને મોદીએ બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા ઉપર ભાર મુક્યો હતો. બંને સમકક્ષોએ ભારત અને બ્રાઝિલ વચ્ચે થયેલી સમજૂતિના સંદર્ભમાં સંયુક્ત નિવેદન પણ જારી કર્યું હતું. વડાપ્રધાને બ્રાઝિલના પ્રમુખ સાથે વાતચીત બાદ નિવેદન જારી કરતા કહ્યું હતું કે, અમારા માટે ગર્વની બાબત છે કે, પ્રજાસત્તાક દિવસના પ્રસંગે બોલ્સોનારો અમારા મુખ્ય મહેમાન બન્યા છે. એક મિત્રની સાથે ખાસ પ્રસંગ અમે પોતાની ખુશી સાથે વ્યક્ત કરવા ઉત્સુક છીએ.

                ભારતના નિમંત્રણને સ્વિકાર કરવા બદલ અમે આભાર માની રહ્યા છીએ.મોદીએ કહ્યું હતું કે, અમે ભારત અને બ્રાઝિલ વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા ઉપર સહમત થયા છીએ. અમારા સંબંધો દરેક ક્ષેત્રોમાં મજબૂત રહ્યા છે. ૨૦૨૩માં બંને દેશો વચ્ચે રાજકીય સંબંધોના પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી થનાર છે. મોદીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે જૈવિક ઉર્જા, પશુધન, આરોગ્ય, પરંપરાગત દવાઓ, સાયબર સિક્યુરિટી, વિજ્ઞાન અને ટેકનોલોજી, તેલ અને ગેસ તથા સાંસ્કૃતિક વિષય પર સમજૂતિ થઇ છે. મોદીએ કહ્યુ હતું કે, આજે અમે બાબતને લઇને સહમત થયા છીએ કે, બંને દેશ બહુસ્તરીય મુદ્દા ઉપર પોતાના સંબંધોને વધુ મજબૂત કરશે. સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં જરૂરી સુધારા માટે મળીને પ્રયાસ કરવામાં આવશે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, અમે સંરક્ષણ ઔદ્યોગિક સહકારને વધારવા માટે પણ ધ્યાન આપી રહ્યા છે. બ્રાઝિલના પ્રમુખે કહ્યું હતું કે, ૧૫ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોના સંબંધ ઐતિહાસિક રહ્યા છે.

(7:48 pm IST)