Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કોરોના ઈફેકટ : એકલા વુહાંગમાં ૪૦૦૦ કેસો ? ચીની નવા વર્ષની ઉજવણી-મહોત્સવ રદ થયો

ચીનના નાણા મંત્રીએ આ વાયરસને નાથવા ૧૦૦૦ કરોડની જંગી સહાય માંગી : વિશ્વભરમાં ફફડાટ સર્જાયો

નવી દિલ્હી,તા.૨૫: જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં જાણે કે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. ચીનની સરકારે હુઆંગગાંગ, ઈઝોઉ, ઝિજિયાંગ અને કિંયાગ જિઆંગ આ પાંચ રાજયોમાં જાહેર માર્ગો પર અવર જવર બંધ કરાવી દીધી છે. આ પાંચેય રાજયોની વસ્તી સૌથી વધારે છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે.

કે કોરોના વાઈરસ શ્વાછોશ્વાસથી ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના પરિણામે સરકારે આ પગલાં લીધાં છે. આજથી ચીનમાં ચીની નવા વર્ષની શરૂઆત થવાની છે. પરંતુ આ વાઈરસને કારણે બીજિંગના પ્રમુખ ધર્મ સ્થાનોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.

ચીનના નાણામંત્રીએ હુબેઈની સરકાર પાસેથી આ વાઈરસનો અંત લાવવા ૧૪.૫ ડોલર એટલે કે અંદાજિત ૧૦૦૦ કરોડ રૂપિયા માગ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે વુહાન શહેરને બંધ કરવાને કારણે ત્યા લગભગ ૭૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે અને ૭૦૦ માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ વેકેશન હોવાને કારણે તેમના દ્યરે જતા રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમની મદદ માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન શરૂ કરી છે. ચીનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને ખાવા પિવાની સુવિધા પૂરી પાડવામાં આવે.ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે બુધવારે કોરોના વાયરસના કુલ ૬૩૧ કેસ નોંધ્યા પરંતુ વુહાનમાં ૪૦૦૦ હજાર જેટલા લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ગયા હોય તેવું અનુમાન છે.

બીજી તરફ અમેરિકાના જયારે વોશિંગટનમાં પણ કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો ત્યારે ત્યાની સરકારે તે વ્યકિતના સંપર્કમાં રહેલા અન્ય ૧૬ લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જયારે જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ આ વાઈરસના એક એક કેસ નોંધાયા છે અને થાઈલેન્ડમાં પણ ચાર કેસ નોંધાયા છે. જેથી આ વાઈરસનો અંત લાવવા આ તમામ દેશો મથામણ કરી રહ્યા છે પરંતુ આ વાઈરસનો અંત કેટલા સમયમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

(3:52 pm IST)