Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર :41 લોકોએ જીવ ગુમાવ્યા : 237 લોકો ગંભીર : પાંચ રાજ્યોમાં માર્ગોમાં અવરજવર બંધ

બીજિંગના પ્રમુખ મંદિરોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં જાણે કે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. ચીનની સરકારે હુઆંગગાંગ, ઈઝોઉ, ઝિજિયાંગ અને કિંયાગ જિઆંગ આ પાંચ રાજ્યોમાં જાહેર માર્ગો પર અવર જવર બંધ કરાવી દીધી છે. આ પાંચેય રાજ્યોની વસ્તી સૌથી વધારે છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ શ્વાછોશ્વાસથી ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના પરિણામે સરકારે આ પગલાં લીધાં છે. આ વાઈરસને કારણે ચીનમાં કુલ 41 લોકોના મોત થયા છે.જ્યારે અન્ય 631 લોકો આ વાઈરસથી પીડાઈ રહ્યા છે. આજથી ચીનમાં તેમના નવા વર્ષની શરૂઆત થવાની છે. પરંતુ આ વાઈરસને કારણે બીજિંગના પ્રમુખ મંદિરોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે

 . ચીનના નાણામંત્રીએ હુબેઈની સરકાર પાસેથી આ વાઈરસનો અંત લાવવા 14.5 ડોલર એટલે કે અંદાજિત 1000 કરોડ રૂપિયા માગ્યા છે. હુબેઈ ચીનનું જ રાજ્ય છે અને હુબેઈની રાજધાની વુહાનમાં પણ માર્ગ પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંના શહેરવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વુહાનની અંદર રહે.

  અત્રે ઉલ્લેખનિય છે કે વુહાન શહેરને બંધ કરવાને કારણે ત્યા લગભગ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે અને 700માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ વેકેશન હોવાને કારણે તેમના ઘરે જતા રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમની મદદ માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન શરૂ કરી છે અને ચીનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને ખાવા પિવાની સુવિધા પૂરી પાડવામાં આવે.ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે બુધવારે કોરોના વાયરસના કુલ 631 કેસ નોંધ્યા પરંતુ વુહાનમાં 4000 હજાર જેટલા લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ગયા હોય તેવું અનુમાન છે.

 બીજી તરફ અમેરિકાના જ્યારે વોશિંગટનમાં પણ કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો ત્યારે ત્યાની સરકારે તે વ્યક્તિના સંપર્કમાં રહેલા અન્ય 16 લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ આ વાઈરસના એક એક કેસ નોંધાયા છે અને થાઈલેન્ડમાં પણ ચાર કેસ નોંધાયા છે. જેથી આ વાઈરસનો અંત લાવવા આ તમામ દેશો મથામણ કરી રહ્યા છે પરંતુ આ વાઈરસનો અંત કેટલા સમયમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

(1:19 pm IST)