Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સરકારના કામકાજને ૪ રીતની ચાનું નામ

દિલ્હીમાં 'આપ'નું અનોખુ પ્રચાર અભિયાનઃ MBA ચાયવાલા સ્ટોલઃ મળે ૪ પ્રકારની ચા

નવી દિલ્હી, તા.૨૫: દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં લેતા આમ આદમી પાર્ટીએ 'કામ કી ચાય' અને 'એક ચાય દિલ્હી કે નામ જેવા સૂત્રોચ્ચાર સાથે નવું કેમ્પેઈન શરુ કર્યું છે. અમદાવાદથી આવેલા વોલેન્ટીઅરે પાર્ટી ઓફિસમાં 'એમબીએ ચાયવાલા'ના નામથી ચાનો સ્ટોલ લગાવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી સરકાર તરફથી કરવામાં આવેલા કામને ચાર રીતની ચાના નામ આપવામાં આવ્યા છે.

અમદાવાદના રહેવાસી પ્રફુલ્લ બિલ્લોર એમબીએ ચાવાળાના નામથી ફેમસ છે. પાર્ટીના દિલ્હી ચૂંટણી પ્રભારી અને રાજયસભા સભ્ય સંજય સિંહે 'MBA ચાયવાલા'ના સ્ટોલનું ઉદઘાટન કર્યું હતું. એમબીએ ચાયવાલા સ્ટોલના માલિક પ્રફુલ્લ બિલ્લોરેએ જણાવ્યું કે તે આશરે ચાર વર્ષથી ચા બનાવી રહ્યો છે. તે અમદાવાદમાં જ રહે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની દ્યોષણા થઈ ત્યાંથી આપ નેતાઓનો સંપર્ક કરીને ચાનો સ્ટોલ લગાવવાની ઈચ્છા દર્શાવી હતી. તેમનું કહેવું છે કે કેજરીવાલ સરકારે જનહિતમાં ખૂબ સારા કામ કર્યા છે. તેમણે સરકારના કામકાજને ૪ રીતની ચાનું નામ આપ્યું છે.

પહેલી 'શિક્ષાવાલી ચાય'છે. જેમાં સરકારી સ્કૂલની સિસ્ટમ સુધારવાના કામનો સમાવેશ થાય છે. બીજી 'સ્વાસ્થ્યવાલી ચાય' છે. તેમનું કહેવું છે કે આપ સરકારે દરેક સરકારી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સારી કરી છે. ત્રીજી સ્પેશ્યિલ ચા છે. જે સામાન્ય માણસોની પાયાની જરુરિયાતો સાથે જોડાયેલી છે. જેમાં મફત અને સસ્તી વીજળી, ફ્રી પાણી અને મહિલાઓ માટે મફત બસ યાત્રાનો સમાવેશ છે. ચોથી 'વિકાસવાલી ચાય'છે. જેમાં ડોર સ્ટેપ ડિલિવરી, સીસીટીવી કેમેરા, મફત વાઈફાઈ વિશે લોકોને જણાવવામાં આવ્યું છે.

પ્રફુલ્લ બિલ્લોરેનું કહેવું છે કે તે કોઈ ખાસ પાર્ટીને સપોર્ટ નથી કરતો. જોકે, જે પણ સારુ કામ કરે છે. તેનો સપોર્ટ જરુર કરશે. પ્રફુલ્લનું કહેવું છે કે હજુ પણ તેના ૩૦થી ૪૦ વોલેન્ટિઅર્સ આવવાના છે. જે વિધાનસભા સીટમાં 'એમબીએ ચાયવાલા' સ્ટોલ લગાવશે. આ પહેલીવાર નથી જયારે એમબીએ ચાયવાલા ચર્ચામાં આવ્યો હોય. આ પહેલા પણ ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈનના દિવસે પ્રફુલે સિંગલ લોકોને મફતમાં ચા પીવડાવી હતી.

(11:28 am IST)