Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

CAA તથા NRC મામલે

બજેટ સત્રમાં સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ સજ્જ : આજે ઘડશે રણનીતિ

સોનિયા ગાંધીએ બોલાવી બેઠક : વિપક્ષોની બેઠક પણ બોલાવશે : ડીએમકે તામિલનાડુમાં મોટું અભિયાન ચલાવશે

નવી દિલ્હી, તા. રપ : નાગરિકતા સંશોધન કાનૂન, એનપીઆર અને એનઆરસી અંગે દેશભરમાં ચાલી રહેલા આંદોલનો વચ્ચે વિપક્ષો સંસદના બજેટ સત્રમાં અર્થવ્યવસ્થા, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યા બાબતે પણ સરકારને ઘેરશે. પક્ષની રણનીતિ નક્કી કરવા માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આજે પક્ષના સીનિયર નેતાઓ સાથે ચર્ચા કરશે. કોંગ્રેસ આ મુદ્દાઓ પર વિપક્ષીદળોની મીટીંગ પણ બોલાવી શકે છે.

સંસદના બજેટ સત્રને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસોથી અર્થવ્યવસ્થા અને બેરોજગારી સાથે સંકળાયેલા મુદ્દાઓ મુખ્ય રૂપે ઉઠાવી રહી છે. પક્ષના એક સીનિયર નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી ર૮ તારીખે જયપુર અને ૩૦ તારીખે વાયનાડમાં સીએએ વિરૂદ્ધ થનારી રેલીઓમાં સરકાર પર હુમલા કરશે. પક્ષ એનપીઆર અને એનઆરસીને ગરીબ વિરોધી ગણાવી રહી છે.

કોંગ્રેસના એક સીનિયર નેતાએ કહ્યું કે સત્ર દરમ્યાન એનઆરસીનો મુદ્દો ઉઠાવવામાં આવશે, પણ પક્ષ અર્થવ્યવસ્થા પર પણ ભાર મુકશે. અર્થવ્યવસ્થા બાબતે સરકારના હાથ બંધાયેલા છે. એટલે સામાન્ય બજેટમાં કોઇ મોટી જાહેરાતની આશા ઓછી છે. ભારતીય અર્થવ્યવસ્થા અંગે દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ ચિંતા વ્યકત કરી રહ્યા છે. એટલે વિપક્ષો સરકાર પાસે આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગણી કરશે.

નાગરિકતા સંશોધન કાનૂન, એનપીઆર અને એનઆરસી પર વલણ નક્કી કરવા માટે થોડા દિવસો પહેલા થયેલી વિપક્ષી દળોની મીટીંગથી ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, સપા અને બસપા દૂર રહ્યા હતા. જો કે કોંગ્રેસને આશા છે કે બજેટ સત્રમાં બધા વિપક્ષી દળો સાથે મળીને સરકારને ઘેરશે.

દરમ્યાન તામિલનાડુમાં સીએએ, એનઆરસી અને એનપીઆર વિરૂદ્ધ વિપક્ષોએ મોટું અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. ડીએમકે પ્રમુખ સ્ટાલીને ગઇકાલે આ માહિતી આપતા કહ્યું કે રાજયભરમાં વ્યાપક રીતે અભિયાન ચલાવવામાં આવશે અને લોકોને આ કાયદાના દુષ્પ્રભાવની માહિતી અપાશે. તેમણે કહ્યું કે તામિલનાડુમાં એનપીઆરની ગતિવ્ધિીઓ પર રોક લગાવવી જોઇએ અને એનઆરસીનો પ્રયત્ન ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે ચારથી ૮ ફેબ્રુઆરી સુધી વ્યાપક સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. આ સહીઓ રાષ્ટ્રપતિ કોવિંદને સોંપવામાં આવશે.

(11:27 am IST)