Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

અમૃતસર - જામનગર સહિત સવા લાખ કરોડના ખર્ચે ૨૫૦૦ કિમી લાંબા ૩ કોરિડોરનું કામ શરૂ

માર્ગ નિર્માણમાં વિલંબ કરનાર ઓફિસરો દંડાશે : થશે પરફોર્મન્સ ઓડિટ : નીતિન ગડકરીએ ૧૬ રાજ્યોની ૫૦૦ પરિયોજનાઓની સમીક્ષા કરી

નવી દિલ્હી તા. ૨૫ : રોડ પરિવહન અને નેશનલ હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ રાજ્યોને કહ્યું છે કે, રોડ પરિયોજનાના જમીન સંપાદન અંગેના મુદ્દાઓ જલ્દી નિપટાવો. આ સાથે જ તેમણે પરિયોજનાઓમાં વિલંબ માટે જવાબદાર અધિકારીઓના પરફોર્મન્સ ઓડીટના આદેશ આપ્યા છે.

હરિયાણાના માનેસરમાં બે દિવસ ચાલેલી મેરેથોન બેઠકમાં ગડકરીએ રોડ મંત્રાલય, ભારતીય નેશનલ હાઇવે ઓથોરીટી, પીડબલ્યુડી તથા રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. તેમાં ૧૬ રાજ્યોમાં કુલ ત્રણ લાખ કરોડ રૂપિયાના ખર્ચની ૨૮૩૦૪ કિમી લાંબી લગભગ ૫૦૦ નિર્માણાધીન રોડ પરિયોજનાઓની સમીક્ષા કરાઇ હતી. જેમાં દક્ષિણ ભારતના રાજ્યો ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, બિહાર, પશ્ચિમ બંગાળ તથા પૂર્વોત્તરની પરિયોજનાઓ સામેલ છે. સમીક્ષા દરમિયાન મોટાભાગની પરિયોજનામાં વિલંબ માટે જમીન સંપાદન, વળતર, જીએસટીનું પેમેન્ટની સમસ્યાઓ મુખ્ય હોવાનું જણાવ્યું હતું. આના લીધે પરિયોજનાઓની સમય સીમા વધારવી પડે છે.

બેઠક પછી ગડકરીએ ૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે કુલ ૭૫૦૦ કિમી લાંબા ૨૨ ગ્રીનફીલ્ડ કોરીડોર વિકસીત કરવા બાબતે માહિતી આપી હતી. તેમાંથી સવા લાખ કરોડ રૂપિયાના ૨૫૦૦ કિમી લાંબા ત્રણ કોરીડોરનું કામ શરૂ થઇ ચૂકયું છે. તેમાં અંબાલા - કોટપુતલી, અમૃતસર - જામનગર ઉપરાંત દિલ્હી - મુંબઇ એકસપ્રેસ-વે પણ સામેલ છે. બાકી બધા ગ્રીનફીલ્ડ કોરીડોરના કોન્ટ્રાકટ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આપવામાં આવશે. ગડકરીએ આગામી નાણાકીય વર્ષમાં રોજના ૯૦ કિમી રોડ બનાવવાનું લક્ષ્ય આપ્યું છે.

(11:27 am IST)