Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કલેકટરના ફડાકાકાંડ બાદ ભૂતપૂર્વ ભાજપ પ્રધાન ઉપર કેસ દાખલ

રાજગઢઃ. મધ્યપ્રદેશમાં રાજગઢના કલેકટર નિધી નિવેદીતા વિરૂદ્ધ અશોભનીય ટીકા કરવા માટે પોલીસે ગઈકાલે સાંજે ભાજપા નેતા અને ભૂતપૂર્વ રાજ્યકક્ષાના પ્રધાન બદ્રીલાલ યાદવ સામે બ્યાવરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી. જ્યારે શાસકીય કર્મચારીઓના વિભીન્ન સંઘોએ ટીકાના વિરોધમાં જીલ્લાની કેટલીક કચેરીઓમાં કામ બંધ કરીને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.

૧૯ જાન્યુઆરીએ સીએએના સમર્થનમાં બ્યાવરામાં ભાજપો ત્રિરંગા યાત્રા કાઢી હતી. આ દરમિયાન કલેકટર નિધી નિવેદિતાએ ભાજપાના જીલ્લા મીડીયા પ્રભારી રવિ બડોનેને થપ્પડ મારી દીધી હતી. ડેપ્યુટી કલેકટર પ્રિયા વર્માએ પણ એક કાર્યકર્તાને થપ્પડો મારી હતી. આના વિરોધમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ રાકેશસિંહ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવે બ્યાવરામાં સભા ભરીને કોંગ્રેસ સરકારને પડકારી હતી.

આ નેતાઓના મંચ પર પહોંચ્યા પહેલા જ ભૂતપૂર્વ પ્રધાન યાદવે કલેકટર ઉપર અશોભનીય ટીકાઓ કરી દીધી હતી. ભાજપા નેતા યાદવ વિરૂદ્ધ બ્યાવરાના એસડીએમ સંદીપ અસ્થાનાની ફરીયાદ ઉપર બ્યાવરા સીટી પોલીસ સ્ટેશનમાં કલમ ૧૮૮ અને ૨૯૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

(4:35 pm IST)