Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજકીય પક્ષો ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોને ટિકીટ ન આપે

ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને જણાવ્યુ કે રાજનીતિના અપરાધિકરણ અટકાવી શકાયુ નથીઃ ટીવી-અખબારોમાં ક્રિમીનલ બેકગ્રાઉન્ડની જાહેરાતોથી પણ મદદ નથી મળી : રાજનીતિમાં અપરાધિકરણ મામલે સુપ્રિમ કોર્ટ ગંભીરઃ ચૂંટણી પંચ પાસે એક સપ્તાહમાં સવિસ્તર જવાબ માંગ્યો

નવી દિલ્હી, તા. ૨૪ :. ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટમાં આજે જણાવ્યુ છે કે ચૂંટણી ઉમેદવારોને ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મિડીયામાં પોતાની આપરાધિક પૃષ્ઠભૂમિ અંગે જાહેરાત કરવાના ૨૦૧૮ના અમારા નિર્દેશથી રાજનીતિના અપરાધિકરણ પર રોક લગાવવામાં મદદ નથી મળતી.

ચૂંટણી પંચે કહ્યુ છે કે ઉમેદવારો પાસેથી તેમની આપરાધિક પૃષ્ઠભૂમિની મિડીયામાં જાહેરાત કરવાનું કહેવાના બદલે રાજકીય પક્ષોને કહેવુ જોઈએ કે તેઓ ગુન્હાહીત ભૂતકાળવાળા ઉમેદવારોને ટીકીટ ન આપે.

ન્યાયમૂર્તિ આર.એફ. નરીમન અને ન્યાયમૂર્તિ એસ. રવિન્દ્ર ભટ્ટની પીઠે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે કે તે દેશમાં રાજકારણના અપરાધિકરણને રોકવાને ધ્યાનમાં રાખી એક રૂપરેખા બનાવી એક સપ્તાહની અંદર કોર્ટમાં તે રજૂ કરે.

સુપ્રિમ કોર્ટે અરજી કરનાર ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય અને ચૂંટણી પંચને કહ્યુ હતુ કે તેઓ સાથે મળીને વિચાર કરે અને સૂચન આપે કે જેથી રાજનીતિમાં અપરાધિકરણ અટકે.

સપ્ટે. ૨૦૧૮માં ૫ સભ્યોવાળી ખંડપીઠે સર્વસંમતિથી ફેંસલો આપ્યો હતો કે તમામ ઉમેદવારોને ચૂંટણી લડતા પહેલા ચૂંટણી પંચ સમક્ષ પોતાના ગુન્હાહીત ભૂતકાળની જાહેરાત કરવી પડશે. ઉમેદવારોએ પોતાના ગુન્હાહીત ભૂતકાળ અંગે પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયામા વ્યાપક જાહેરાત આપવા પણ કહ્યુ હતું.

(4:33 pm IST)