Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વર્ષ ર૦૧૯-ર૦ : નવેમ્બર સુધી કુલ ૬ર લાખને નોકરી

રર થી રપ વર્ષની વયમાં વધારે નોકરી મળી : ફોર્મલ સેકટરમાં નોકરીના પ્રમાણમાં વધારો થયો

નવી દિલ્હી,તા. ૨૪: નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં નવેમ્બર મહિના સુધી કુલ ૬૨ લાખ નવી નોકરીની તક સર્જાઇ ગઇ છે. કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (ઇપીએફઓ) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ફોર્મલ સેક્ટરમાં નોકરીની તકોમાં વધારો થયો છે. ઇપીએફઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે માત્ર નવેમ્બર મહિનામાં ઔપચારિક ક્ષેત્રમાં અથવા તો ફોર્મલ સેક્ટરમાં ૧૧.૬૨ લાખ લોકોને રોજગારી મળી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૬૧.૧૨ લાખ નોકરીની તક સર્જાઇ હતી. જ્યારે નાણાંકીય વર્ષ આ વખતે નવેમ્બર સુધીમાં ૬૨.૩૮ લાખ નોકરીની તક સર્જાઇ ગઇ છે. એટલે કે ૨૦૧૮ની તુલનામાં સારી સંખ્યામાં નોકરી વધી ગઇ છે. ઇપીએફઓના કહેવા મુજબ નવેમ્બર ૨૦૧૮માં ૪.૦૩ લાખ નોકરીની તક સર્જાઇ હતી. આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર ૨૦૧૭થી લઇને નવેમ્બર ૨૦૧૯ વચ્ચેના ગાળામાં જ ઇપીએફઓની પીએફ જેવા સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે ૧.૩૯ કરોડ લોકો નવા જોડાઇ ગયા છે. આનાથી સંકેત મળે છે કે છેલ્લા ૨૭ મહિનામાં ઔપચારિક અથવા તો ફોર્મલ ક્ષેત્રમાં રોજગારીની તક વધારે સર્જાઇ ગઇ છે. આમાંથી ૧૫.૫૩ લાખ નોકરીની તક સપ્ટેમ્બર ૨૦૧૭થી લઇને માર્ચ ૨૦૧૮ સુધી સર્જાઇ છે. રોજગારીના મોરચા પર જારી કરવામાં આવેલા આંકડાથી સરકારને રાહત થઇ શકે છે. બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે સરકાર બજેટમાં રોજગારને વધારી દેવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ ગાળા દરમિયાન ૨૨થી ૨૫ વર્ષની વયની વચ્ચે ૩.૦૯ લાખ લોકોને રોજગારી મળી છે. જ્યારે ૨૯થી ૩૫ વર્ષની વય વચ્ચે ૨.૦૮ લાખ લોકોને રોજગારી મળી ચુકી છે.આશા હજુ પણ સારી દેખાઇ રહી છે.

(4:27 pm IST)