Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ચુંટણી પંચની તૈયારી પૂર્ણ

હવે આધાર સાથે વોટર આઇડી પણ લિંક કરાવવું પડશે

નવી દિલ્હી,તા.૨૪: પાન કાર્ડ બાદ હવે તમારા વોટર આઇડી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કાયદા મંત્રાલયે ચૂંટણી પંચ તરફથી આવેલી ભલામણનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ કાયદા મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, એ અંગે ખાતરી જરૂરી છે કે આ પ્રક્રિયા દરમિયાન ડેટા ચોરી થતી રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ઇન્ડિયન એકસપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક કરવા માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયે અમુક શરતો સાથે હા પાડી છે. કાયદા મંત્રાલયની મંજૂરી પછી હવે ચૂંટણી પંચને વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેનો કાયદાકીય અધિકાર મળી શકે છે. નોંધનીય છે કે ચૂંટણી પંચે આ પહેલા ફેબ્રુઆરી ૨૦૧૫માં આધારને વોટર આઈડી કાર્ડ સાથે જોડવાની કવાયત શરૂ કરી હતી. આ સમયે એચ એસ બ્રહ્મ ા મુખ્ય ચૂંટણી કમિશનર હતા.જોકે, સુપ્રીમ કોર્ટ તરફથી જાહેર વિતરણ વ્યવસ્થા, એલપીજી અને કેરોસિનના વિતરણમાં આધારના ઉપયોગ પર રોક લગાવતા આ કવાયત બંધ કરી દેવામાં આવી હતી. જોકે, ચૂંટણી પંચે આ પહેલા જ આધાર સાથે ૩૮ કરોડ વોટર આઇડ કાર્ડ લિંક કરી દીધા હતા.

ઓગસ્ટ ૨૦૧૯માં ચૂંટણી પંચે કાનૂન સચિવને એક પત્ર લખીને જનપ્રતિનિધિ કાયદો ૧૯૫૦ અને આધાર અધિનિયમ ૨૦૧૬માં સંશોધન માટે પ્રસ્તાવ આપ્યો હતો. જેનાથી મતદાર યાદીમાં પણ ગરબડથી બચી શકાય. જનપ્રતિનિધિત્વ કાનૂનના પ્રસ્તાવિત સંશોધન પ્રમાણે, ઇલેકટ્રોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) મતદાતાઓ પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તેમની પાસે આધાર નંબર માંગી શકે છે.ચૂંટણી પંચે તર્ક આપ્યો છે કે આધાર સાથે વોટરઆઈડી કાર્ડને લિંક કરવાથી મતદાર યાદીમાં એકથી વધારે (ડુપ્લિકેટ નામો) નામોને દૂર કરવામાં મદદ મળશે. જે રાષ્ટ્રના હિતમાં છે.સંશોધનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આધાર નંબર નહીં આપવાની સ્થિતિમાં કોઈનું નામ ન તો મતદાર યાદીમાંથી હટાવવામાં આવશે ન તો તેને મતદાન કરતા રોકવામાં આવશે.

(4:26 pm IST)