Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આલેલે! આઝમખાનની જોહર યુનિવર્સિટીની ૧૦૪ વીઘા જમીન યોગી સરકારે જપ્ત કરી

ઉત્તર પ્રદેશ ભૂમિ સુધાર કાયદા અનુસાર દલિતો દલિત સિવાયની વ્યકિતને જમીન ન વેચી શકાય

નવી દિલ્હી તા. ર૪: રામપુર જીલ્લા પ્રશાસને બુધવારે મોહમ્મદઅલી જોહર યુનિવર્સિટી પરિસરની અંદરની ૧૦૪ વીઘા જમીન જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રયાગરાજ સ્થિત રેવન્યુ બોર્ડ કોર્ટના આદેશથી કરવામાં આવી છે. આ યુનિવર્સીટીની રચના સપાના સાંસદ મોહમ્મદ આઝમખાને કરી છે અને સાથે જ તે તેના કુલપતિ પણ છે. રેવન્યુ બોર્ડ કોર્ટ અનુસાર દલિત ખેડૂતોના સમૂહ પાસેથી લેવાયેલી આ જમીનની ખરીદીમાં નિયમોને નેવે મુકવામાં આવ્યા છે.

પ્રયાગરાજ ખાતેના રેવન્યુ બોર્ડમાં સરકારી વકીલ દીપક સકસેનાએ કહ્યું, ''ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને ભૂમિ સુધાર કાયદા હેઠળ નાના દલિત જમીન માલિકો પોતાની જમીન બિન દલિત વ્યકિતના નામે ટ્રાન્સફર ન કરી શકે, જો તેઓ આવું કરે તો તેમણે તે અંગે જીલ્લા પ્રશાસની પરવાનગી લેવી પડે છે. સીનીયર સપા નેતા દ્વારા સંચાલિત જોહર ટ્રસ્ટે આવી કોઇ પરવાનગી નહોતી લીધી.''

તેમણે આગળ કહ્યું, ''રેવન્યુ બોર્ડે ર૦૧૩નો મુરાદાબાદ કમિશ્નર કોર્ટનો એ આદેશ રદ કર્યો હતો જેમાં આ જમીનના વેચાણની પરવાનગી અપાઇ હતી'' પ્રશાસને બુધવારે બપોરે કર ન ચુકવવા માટે યુનિવર્સિટીની અંદર બની રહેલી એક ઇમારતને પણ સીલ કરી દીધી હતી. રામપુર સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (એસડીએમ) પ્રેમપ્રકાશ તિવારીના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમે યુનિવર્સિટી પરિસરમાં પહોંચીને ઇમારતને સીલ કરવાની અને જમીનને જપ્ત કરવાની કાર્યવાહી કરૂ કરી દીધી હતી.

(4:24 pm IST)