Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજસ્થાનમાં મોટાભાગના સરપંચ અભણ : માત્ર 35 ટકા સરપંચને પોતાનું નામ લખતા આવડે છે

સૌથી વધુ નિરક્ષર સરપંચ બાડમેર જિલ્લામાં, અહીં 14 સરપંચ પૂરેપૂરા અભણ

જયપુર :રાજસ્થાનમાં પહેલા ચરણની સરપંચની ચૂંટણી પૂરી થઇ હતી ત્યારે ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે માત્ર 35 ટકા સરપંચ એવા છે જે પોતાનું નામ લખવા જેટલું ખપ પૂરતું શિક્ષણ ધરાવે છે. બાકીના બધા સરપંચ અંગુઠા છાપ છે.

 રાજસ્થાનનાં ગામડાંમાં ખેતમજૂર તરીકે કામ કરતો કોઇ નિરક્ષર માણસ સાંજ પડ્યે સરપંચની ખુરસી પર બેઠેલો દેખાય તો હવે મિડિયા આશ્ચર્ય નહીં અનુભવે કારણ કે આ સત્તાવાર જાહેરાત છે કે 2,726 ગ્રામ પંચાયતોમાંથી ફક્ત 100 ગ્રામ પંચાયતોના સરપંચ ખપ પૂરતું વાંચતાં લખતાં જાણે છે. બાકીના બધા અંગુઠા છાપ છે.એનો અર્થ એવો પણ થઇ શકે કે આ બધી ગ્રામ પંચાયતો રિમોટ કન્ટ્રોલથી અન્ય કોઇ વ્યક્તિ ચલાવશે.

 અગાઉ સરપંચની ચૂંટણી માટે પણ મિનિમમ શિક્ષણ અનિવાર્ય હતું. હવે એ યોગ્યતા હટી જતાં કોઇ પણ વ્યક્તિ સરપંચ બની શકે છે. રાજસ્થાન ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ 2,726 ગ્રામ પંચાયતોમાં ફક્ત 969 સરપંચ એવા છે જે માંડ માંડ પોતાનું નામ લખી શકે છે. સરકારી યોજના વિશે આવતી સામગ્રી એ લોકો વાંચી શકતા નથી. તો પછી ગ્રામ વિકાસનાં કાર્યો શી રીતે કરશે એનો જવાબ કોઇ રાજકીય પક્ષ આપી શકે એમ નથી.

 સૌથી વધુ નિરક્ષર સરપંચ બાડમેર જિલ્લામાં છે. અહીં 14 સરપંચ પૂરેપૂરા અભણ છે.

(12:14 pm IST)