Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ચૂંટણી જીતવા અનેકવિધ કાવાદાવા

દિલ્હીમાં ચૂંટણી લડતા 'આપ'નાં ઉમેદવાર પાસે રૂ.૩૨૫ કરોડની સંપત્તિઃ વિપક્ષે બનાવ્યો મુદો

નવી દિલ્હી, તા.૨૪: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સૌથી ધનવાન ઉમેવાર ધર્મપાલ લાકડા હાલમાં સમાચારોમાં છવાયેલા છે. ચૂંટણીમાં તેમની સામે ભાજપમાંથી માસ્ટર આઝાદ અને કોંગ્રેસમાંથી ડોકટર નરેશ પ્રતિસ્પર્ધી તરીકે ઉભા છે. તેઓ દિલ્હીના સૌથી ધનવાન ઉમેદવાર છે. જેમની પાસે ૩૨૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે. હવે તેમના વિરોધીઓ લાકડાની સંપત્ત્િ।ને ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધર્મપાલ લાકડા પહેલીવાર ચૂંટણીના મેદાનમા છે. ધર્મપાલ પાસે આલીશાન મેરેજ હોલ સહીત ૩૨૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે. મુન્ડકા ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધારે ફેકટરીઓની જમીન આજે પણ તેમના નામે છે. તેઓ કહેતા હતા કે તેમના પૂર્વજો પાસે ૧૫૦૦ એકર જમીન હતી.

મુન્ડકા વિધાનસભા વિસ્તારના ઉમેદવાર ધર્મપાલ લાકડાએ જણાવ્યું હતું કે, મેં જમીનની અદલા -બદલી કરી છે. આ સિવાય મારી પાસે બીજી પણ પ્રોપર્ટી છે. અત્યારે મારી પાસે ૨૫૦ વીદ્યા જમીન છે.

આમ આદમી પાર્ટીના ધર્મપાલ લાકડા સામે પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના નાના ભાઈ માસ્ટર આઝાદ સિંહ ચૂંટણીના મેદાનમાં છે. બે વાર ચૂંટણી હારી ચૂકેલા પૂર્વ મેયર આઝાદસિંહ ધર્મપાલ લાકડાને જમીન માફિયા કહી રહ્યા છે. તો ભાજપના ઉમેદવાર માસ્ટર આઝાદસિંહે કહ્યું હતું કે, જો જમીન તેમના પૂર્વજોની આપેલી છે તો તેમના ત્રણ ભાઈઓ પાસે કેમ આટલી જમીન નથી? તમે જુઓ, અત્યારે તેમના ત્રણ ભાઈ કઈ હાલતમાં છે?

જાટ બહુલ મુન્ડકા વિધાનસભાથી આમ આદમી પાર્ટીના હાલના ઉમેદવાર સુખબીર દલાલની ટિકિટ કાપીને ધર્મપાલ લાકડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમને ભાજપના માસ્ટર આઝાદસિંહની સિવાય કોંગ્રેસના ડોકટર નરેશ કુમાર સામેથી પડકાર મળી રહ્યો છે પરંતુ હવે વિરોધીઓ તેમની સંપત્તિને ચૂંટણી મુદ્દો બનાવી રહી છે.

(10:22 am IST)