Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ભારતીય રેલવેએ 16 મહિનામાં 177 કર્મચારીઓને કાઢી મુક્યા : કહ્યું; કામચોર-ભ્રષ્ટ લોકો સામે કાર્યવાહી કરી છે

139 અધિકારીઓમાંથી ઘણા એવા છે કે, જેમણે પ્રમોશન ન મળ્યા પછી અથવા રજા પર મોકલવામાં આવ્યા પછી રાજીનામું આપ્યું અથવા VRS પસંદ કર્યું.

નવી દિલ્હી : ભારતીય રેલવેએ છેલ્લા 16 મહિનામાં 177 કર્મચારીઓની છટણી કરી છે. સુત્રોના જણાવ્યું કે, જુલાઈ 2021થી દર ત્રણ દિવસે એક નોન-પર્ફોર્મર અથવા ભ્રષ્ટ કર્મચારીને બહાર કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 139 અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની ફરજ પડી છે. જ્યારે 38ને સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 139 અધિકારીઓમાંથી ઘણા એવા છે કે, જેમણે પ્રમોશન ન મળ્યા પછી અથવા રજા પર મોકલવામાં આવ્યા પછી રાજીનામું આપ્યું અથવા VRS પસંદ કર્યું.

કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓને નિવૃત્તિ પસંદ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ માહિતી આપી હતી કે, બુધવારે બે વરિષ્ઠ ગ્રેડ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક સીબીઆઈએ હૈદરાબાદમાં રૂપિયા 5 લાખની લાંચ લેતા પકડ્યો હતો, જ્યારે બીજો રાંચીમાં 3 લાખ રૂપિયા સાથે ઝડપાયો હતો. તેમણે કહ્યું કે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ‘કામ કરો અથવા ઘરે બેસો’ ના પ્રદર્શન અંગેના તેમના સંદેશ વિશે ખૂબ જ સ્પષ્ટ છે. અધિકારીઓએ કહ્યું, અમે જુલાઈ, 2021થી દર ત્રણ દિવસે એક ભ્રષ્ટ રેલવે અધિકારીને બહાર કાઢ્યા છે.

આ માટે ભારતીય રેલવે દ્વારા કર્મચારી અને તાલીમ સેવા નિયમોના નિયમ 56 (J) નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી કર્મચારીને ઓછામાં ઓછા 3 મહિનાની નોટિસ આપ્યા પછી અથવા સમાન સમયગાળા માટે ચૂકવણી કર્યા પછી નિવૃત્ત અથવા બરતરફ કરી શકાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલું ઓછું કામ કરતા લોકોને બહાર કાઢવાના કેન્દ્રના પ્રયાસોનો એક ભાગ છે. અશ્વિની વૈષ્ણવે જુલાઈ 2021 માં રેલ્વે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી અધિકારીઓને વારંવાર ચેતવણી આપી છે કે, જો તેઓ સારું પ્રદર્શન ન કરી શકે તો VRS લઇને ઘરે બેસી જાય.

(12:06 am IST)