Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

.મધ્યપ્રદેશમાં ખાતરની ભારે અછત :લાંબી લાઈનોમાં ઉભા રહીને ખેડૂતો બેહોશ થઈ જાય કઅથવા મૃત્યુ પામે છે

દર વર્ષે ખાસ કરીને રવી સિઝનમાં ખાતરની અછત થતાં જ ખેડૂતોએ રસ્તાઓ બ્લોક કરવા, કલેક્ટર કચેરીઓ પર ધરણાં કરવા અને વિરોધ પ્રદર્શન કરવા પડે

નવી દિલ્હી : મધ્યપ્રદેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે. કારણ કે અહીંની 74.73 ટકા વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. તેમ છતાં અહીંના ખેડૂતોને ખાતર માટે દર વર્ષે સંઘર્ષ કરવો પડે છે. લાઇનો લાગીને મરવું તેમના માટે ભાગ્ય બની ગયું છે.

દર વર્ષે ખાસ કરીને રવી સિઝનમાં ખાતરની અછત થતાં જ ખેડૂતોએ રસ્તાઓ બ્લોક કરવા, કલેક્ટર કચેરીઓ પર ધરણાં કરવા અને વિરોધ પ્રદર્શન કરવા પડે છે. ખાતર માટે લાંબી લાઈનોમાં ઉભા રહીને ખેડૂતો બેહોશ થઈ જાય છે અથવા મૃત્યુ પામે છે તેવા વિઝ્યુઅલ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સરકારી તંત્ર ખાતર પુરૂ પાડવાની કોશિશ કરે છે. પરંતુ અંતે જે ખેડૂતો સરકારી ખાતર ખરીદી શકતા નથી તેઓ સામાન્ય ભાવ કરતાં 20-30 ટકા વધુ ભાવે કાળાબજારમાંથી ખરીદે છે.

આ વર્ષે રામપ્રસાદ કુશવાહ 38 વર્ષીય ખેડૂત અને ગુના જિલ્લાના ગોયલહેડા ગામના રહેવાસી ખાતર માટે લાઇનમાં ઉભા હતા ત્યારે બેહોશ થઈ ગયા હતા. હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. તે ખેડૂતને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના ભત્રીજા માખણ સિંહે જણાવ્યું હતું કે, કાકા ખાતર માટે છેલ્લા બે દિવસથી દર-દર ભટકી રહ્યાં હતા.

કુશવાહાના ત્રણ ભાઈઓને પરિવાર તરફથી વારસામાં ત્રણ એકર જમીન મળી હતી અને તે સાથે મળીને ખેતી કરતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને 16 અને 18 વર્ષના બે પુત્રો છે.

એ જ રીતે ત્રણ એકર જમીનના માલિક 58 વર્ષીય શિવનારાયણ મેવાડા ત્રણ દિવસની જહેમત બાદ ખાતરની ત્રણ થેલીઓ મળ્યાની થોડી મિનિટોમાં બેહોશ થઈ ગયા હતા. હાર્ટ એટેકના કારણે તેમને પણ તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓ મુખ્યમંત્રીના ગૃહ જિલ્લા સિહોરના ઉછાવરના રહેવાસી હતા.

મધ્ય પ્રદેશમાં ખેડૂતો ખરીફ સિઝનમાં સોયાબીન, ડાંગર, મકાઈ, બાજરી, તુવેર વગેરે ઉગાડે છે. રવિ સિઝનમાં ઘઉં, ચણા, સરસવ, કપાસ, જુવાર અને શાકભાજી ઉગાડવામાં આવે છે. આ સાથે શેરડી, કસ્ટર્ડ એપલ અને કેળા પણ કેટલાક જિલ્લાઓમાં ઉગાડવામાં આવે છે.

કૃષિ નિષ્ણાતોના મતે, રવિ સિઝનમાં ખાતરોની માંગને પહોંચી વળવા ખેડૂતોને લગભગ 22-23 લાખ MT યુરિયા, 11-12 લાખ MT ડી-એમોનિયમ ફોસ્ફેટ (એટલે કે DAP) અને 3-4 લાખ MT NPK ની જરૂરત પડે છે.

 

(10:11 pm IST)