Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રતન ટાટાએ કચેરીના પગથિયે શ્વાન સાથે બેસી દિવાળી ઉજવી

મહામારી કાળમાં મહારથીઓની ફિક્કી દિવાળી : ગોવા નામના શ્વાન સાથેની રતન ટાટાની તસવીર વાયરલ

મુંબઈ, તા. ૨૪ : કોરોના વાયરસની મહામારી વચ્ચે આ વખતે દિવાળી પહેલાથી બિલકુલ અલગ રહી. લોકોએ ઘરમાં રહીને પોતાની રીતે જ દિવાળી સેલિબ્રેટ કરી. પરંતુ ઉદ્યોગપતિ રતન ટાટાએ આ વખતે દિવાળી એકદમ અલગ રીતે ઉજવી હતી. રતન ટાટાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે એક તસવીર મૂકી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે રતન ટાટા સાથે બે શ્વાન પણ છે. રતન ટાટાનો ટાટાના ઓફિસ પરિસરમાં 'ગોવા' નામના શ્વાન સાથેની તસવીર વાઈરલ થઈ રહી છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે શ્વાનનું નામ 'ગોવા' કેમ રાખવામાં આવ્યું છે, તો આ પાછળ રતન ટાટા એક સ્ટોરી જણાવે છે.

રતન ટાટાએ જે તસવીર શેર કરી છે, તેમાં જોઈ શકાય છે કે તેઓ શર્ટ પેન્ટમાં છે અને તેમના ચહેરા પર માસ્ક પહેરેલું છે. રતન ટાટા બોમ્બે હાઉસમાં સ્થિત કંપનીના હેડક્વોર્ટરની બહાર પગથિયાઓ પર બેસીને રમી રહ્યા છે બોમ્બે હાઉસમાં શ્વાન માટે એક ખાસ ઘર બનાવાયેલુ છે, જેમાં રસ્તા પર રખડતા શ્વાનને રાખવામાં આવે છે. તેમાં પણ આ સફેદ અને કાળા રંગના શ્વાન સાથે રતન ટાટાની ખાસ લાગણી છે અને તેમાંથી એકનું નામ ગોવા છે.

એવામાં તમે પણ વિચારી રહ્યા હશો કે રતન ટાટાએ આ શ્વાનનું નામ ગોવા કેમ રાખ્યું છે? તો હકીકતમાં રતન ટાટાએ હાલમાં જ એક સ્ટોરી શેર કરી હતી, જેમાં એક કોમેન્ટ દ્વારા યુઝરે શ્વાનનું નામ ગોવા રાખવા પાછળનું કારણ પૂછ્યું હતું. જે બાદ રતન ટાટાએ જાતે તે ટ્વીટને જવાબ આપતા જણાવ્યું કે, જ્યારે મારા સહયોગી ગોવામાં હતા ત્યારે તેમની કારમાં એક રસ્તે રખડતું શ્વાન આવીને બેસું ગયું અને તે કારમાં ગોવાથી સીધું બોમ્બે હાઉસ પહોંચી ગયું, આ કારણે તેનું નામ ગોવા છે. રતન ટાટાએ શ્વાનની સાથે દિવાળી ઉજવી હતી. તેમના આ કાર્ય બાદ એનિમલ વેલફેર એક્ટિવિસ્ટ અન્ય લોકોને પણ રતન ટાટાની જેમ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવા માટે કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રતન ટાટા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને કેટલીક ખાસ પોસ્ટ દ્વારા પોતાના જીવનના મહત્વપૂર્ણ કિસ્સાઓ લોકો સાથે શેર કરતા હોય છે. રતન ટાટા ૧૯૯૧થી ટાટા સંસના ચેરમેન હતા, પરંતુ ૨૮ ડિસેમ્બર ૨૦૧૨માં તેઓ નિવૃત્ત થઈ ગયા હતા.

(8:58 pm IST)