Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ચૂંટણીને પડકારતી પૂર્વ સૈનિક તેજ બહાદુરની અરજી સુપ્રીમ કોર્ટએ ફગાવી : 2019 ની સાલમાં વારાણસીથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ભરેલું ઉમેદવારી પત્રક રદ થતા ચૂંટણી અમાન્ય કરવા અરજી કરી હતી : માત્ર મોદીને જીતાડવા માટે જ પોતાનું ઉમેદવારી પત્રક રદ કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો : ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડેની 3 જજની ખંડપીઠે તેજ બહાદુરની અરજી ફગાવી

ન્યુદિલ્હી : 2019 ની સાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા શ્રી નરેન્દ્ર મોદી સામે  સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે પૂર્વ સૈનિક તેજ બહાદુરે ઉમેદવારી નોંધાવી હતી.

પરંતુ તેમનું ઉમેદવારી પત્રક રિટર્નિંગ ઓફિસરે  રદ કર્યું હતું.જેના કારણમાં જણાવાયું હતું કે તમને સૈન્યમાંથી ભ્રષ્ટાચારના આરોપસર છુટા નથી કર્યા તેવું સર્ટિફિકેટ આપો.પરંતુ તેજ બહાદુરે જણાવ્યું હતું કે તેમણે સૈન્યની કેન્ટીનમાં ખાવાલાયક ભોજન મળતું નહીં હોવાથી કરેલી ફરિયાદના અનુસંધાને તેમને શિસ્તભંગનાં પગલાં સબબ ડિસમિસ કરાયા હોવાનું સર્ટિફિકેટ રજુ કરેલું છે.તેથી ભ્રષ્ટાચારનો કોઈ સવાલ રહેતો નથી.

તેમછતાં પૂરતો ખુલાસો આપવા માટે સમય આપ્યા વિના તેમનું ઉમેદવારી પત્રક રદ કરાતા તેમણે સૌથી છેલ્લા ઉપાય તરીકે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જ્યાં નામદાર જજે તેમને પૂછ્યું હતું કે તમે રજુઆત કરવા માટે સમય માંગ્યો હતો કે કેમ, તેના જવાબમાં તેમણે ઉમેદવારી પત્રકમાં શામેલ શિસ્તભંગનાં સર્ટિફિકેટનો ઉલ્લેખ કર્યો હતો.તથા પોતાનું ઉમેદવારી પત્રક માત્ર મોદીને જીતાડવા માટે જ રદ કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે સહીત 3 જજની ખંડપીઠે ચૂંટણી યોગ્ય રીતે થઇ છે તેમ જણાવી તેજ બહાદુરની અરજી ફગાવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:05 pm IST)